મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

ભાજપના ચૂંટાયેલા ૨૮૨માંથી ૧૫૨ સાંસદો વિરૂદ્ધ લોકોમાં નારાજગી

ભાજપના આંતરિક સર્વેમાં ચોંકાવનારો ખુલાસોઃ ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીઃ વૈકલ્પિક ઉમેદવારોના નામ મંગાવાયાઃ ૭૫થી વધુ ઉંમરવાળાઓને ટીકીટ નહિ મળેઃ નારાજગીવાળી બેઠકો પર સ્થિતિ સુધારવા ભાજપે ઘડી રણનીતિઃ ઓડીશા, આંધ્ર, તેલંગણા અને પ.બંગાળની ૧૦૫માંથી ૮૦ બેઠકો જીતવા ટાર્ગેટઃ સાથી પક્ષો સાથેના ડખ્ખા ઉકેલવા સંયુકત કમિટિ

નવી દિલ્હી, તા. ૯ :. ભાજપના આંતરીક સર્વેમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ૨૦૧૪માં જે ૨૮૨ બેઠકો ઉપર પક્ષે વિજય મેળવ્યો હતો આમાથી ૧૫૨ સંસદીય ક્ષેત્રોમાં રીપોર્ટ સાંસદોની વિરૂદ્ધ આવ્યો છે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષે જીતેલ તમામ બેઠકો પર આંતરીક સર્વેક્ષણ કરાવ્યુ હતું. ભાજપના એક રણનીતિકારના જણાવ્યા પ્રમાણે આ સર્વે ગયા વર્ષે ગુજરાતની ચૂંટણી પહેલા જ કરવામાં આવ્યો હતો પરંતુ આ રીપોર્ટની સંવેદનશીલતાના કારણે તેના પર પક્ષે કોઈ આગળ પગલા લીધા ન હતા.

આંતરીક સર્વે બાદ પક્ષે સર્વેના બીજા ચરણ પર કામ શરૂ કરી દીધુ છે. આ ચરણમાં નારાજગીવાળી બેઠકો પર સ્થિતિ સુધારવાના ઉપાયો સહિત વૈકલ્પીક ઉમેદવારોના નામ પણ મંગાવવામાં આવ્યા છે. આ રણનીતિ હેઠળ જ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે મોદી-શાહની જોડીએ ન્યુ ઈન્ડીયા-યંગ ઈન્ડીયાનું માળખુ રચી લીધુ છે.

ભાજપના આંતરીક રીપોર્ટમાં યુપીના ૭૧માંથી ૪૮, રાજસ્થાનના ૨૫માથી ૧૩, મ.પ્રદેશના ૨૬માથી ૧૬, મહારાષ્ટ્રના ૨૩માથી ૧૭, બિહારના ૨૨માંથી ૧૨, ઝારખંડ ૧૨માથી ૫, હરીયાણામા તમામ ૭, ઉતરાખંડના ૫ માથી ૩, પંજાબના બન્ને, ચંદીગઢના એક અને અન્ય રાજ્યોના ૮૭માંથી ૨૮ સાંસદો વિરૂદ્ધ લોકોની નારાજગી હોવાનું બહાર આવ્યુ છે.

ઉજ્જૈનમાં સંઘના વડા ભાગવત અને સહકાર્યવાહ ભૈયાજી જોશી સાથે પક્ષના અધ્યક્ષ અમિત શાહની મુલાકાતમાં પણ આ મુદ્દો ઉઠયો હતો. હવે ભાજપ ૨૦૧૯માં ૭૫ વર્ષની વધુ ઉંમરના લોકોને ટીકીટ નહી આપે તેવી પ્રારંભીક ચર્ચા થઈ હતી. ૨૦૧૯માં ભાજપનું ધ્યાન ચાર રાજ્યો ઉપર વધુ રહેશે. જ્યાં અગાઉ ૧૦૫માંથી ફકત ૬ બેઠકો મળી હતી. ઓડીસા, આંધ્ર, તેલંગણા અને પ.બંગાળની ૧૦૫ બેઠકો છે. ભાજપે ત્યાંથી ૧૮૦ બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યુ છે. આ ચાર રાજ્યોમાં ભાજપનું સંગઠન માળખુ નબળુ છે તેથી ભાજપની રણનીતિ મોદીની લોકપ્રિયતા વટાવવાની છે. ૨૦૧૯માં મોદી વારાણસીની સાથે સાથે પુરી લોકસભા બેઠક પરથી ઝંપલાવે તેવી શકયતા છે.

દરમિયાન ભાજપે પોતાના સાથી પક્ષો સાથેના મતભેદો મીટાવવા માટે એક સંયુકત કમિટી બનાવવાનું નક્કી કર્યુ છે. ગઠબંધનની આ જોઈન્ટ કમિટિ બધા વિવાદો ઉકેલશે. જેમાં ભાજપ અને અકાલી દલના ૩ સભ્યો હશે.(૨-૮)

(4:47 pm IST)