મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

મુંબઈમાં ટનાટન ૫ ઈંચઃ ઠેર-ઠેર પાણી ભરાયાઃ વધુ ૮ ઈંચની સંભાવના

ગઈકાલથી મુંબઈમાં વિજળીના કડાકા ભડાકા-પવન સાથે ભારે વરસાદઃ ઘાટકોપરમાં સૌથી વધુ વરસાદ નોંધાયોઃ અનેક વિસ્તારો જળબંબાકારઃ ટ્રાફીકજામના દ્રશ્યોઃ જનજીવનને અસરઃ આજે દિવસભર ભારે વરસાદની આગાહીઃ ૩ દિવસ સુધી શહેર પર જોખમઃ તંત્ર આઈએલર્ટ પરઃ હવે ચોમાસુ ગુજરાત ભણી આગળ વધી રહ્યુ છે

મુંબઈ, તા. ૯ :. મુંબઈમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ લખાય છે ત્યારે સવારે પણ વરસાદ ચાલુ છે. થાણે, ભીવંડી, કલ્યાણ, મુંબ્રા, નવી મુંબઈ, અંધેરી, જોગેશ્વરી, શાંતાક્રુઝ વગેરે વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. સૌથી વધુ વરસાદ પૂર્વ મુંબઈમાં વરસ્યો છે. ઘાટકોપરમાં ૪ થી ૫ ઈંચ વચ્ચે વરસાદ પડી ગયાનું જાણવા મળે છે. આજથી ૩ દિવસ સુધી મુંબઈમાં હજુ ભારે વરસાદ પડવાની શકયતા છે. શનિ-રવિમાં તોફાની પવન સાથે ૮ ઈંચથી વધુ વરસાદ પડવાની શકયતા છે. તંત્ર એલર્ટ બન્યુ છે.

ગઈકાલ રાતથી જ મુંબઈમાં ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. જેને કારણે અંધેરી, સાકીનાકા, કુર્લા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. થાણે શહેર, ભીવંડી, કલ્યાણમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડતા જનજીવનને અસર પડી હતી તો ભીવંડી, કાલવા, મુંબ્રા, લોકમાન્યનગર સહિત ઠેર ઠેર વિજળી ચાલી જતા લોકોને પરેશાની થઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ૧૨મી સુધી ભારે વરસાદ પડી શકે છે. સવારે ૬ વાગ્યે અંધેરી, જોગેશ્વરી, શાંતાક્રુઝ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ હતો. ભારે પવન પણ ફુંકાઈ રહ્યો છે. મુલુંડ પણ ભારે વરસાદથી ઝળબંબોળ થઈ ગયુ છે. ભીવંડી, તુંગારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન, થાણે, મિરા ભાયંદર, ડોંબીવલી સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ૩ વાગ્યાથી દે ધનાધન વરસાદ ચાલુ છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહેલેથી જ સક્રીય થ વા જવાને કારણે કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં ૩ - ૪ દિવસ વધુ વરસાદ પડવાની સંભાવના છે. ૧૨મી સુધી ગોવા અને કોંકણના વિસ્તારોમાં ૪૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન પણ ફુંકાવાની શકયતા છે.

મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને કારણે ગઈકાલે મુંબઈથી અમદાવાદ આવતી ૧૧ ફલાઈટ મોડી પડી હતી. અમદાવાદ એરપોર્ટ પર સંખ્યાબંધ મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. મુંબઈથી અનેક વિમાનો ઉપડી શકયા ન હતા.(૨-૪)

 

(11:30 am IST)