મુખ્ય સમાચાર
News of Monday, 9th May 2022

શ્રીલંકામાં સ્થિતિ વણસી : અનેક રાજનેતાઓના ઘરને નિશાન બનાવ્યા :હિંસામાં સાંસદ 5 લોકોના મોત : 174થી વધુ ઘાયલ

પૂર્વ મંત્રી નિમલ લાંજાના આવાસ પર પણ હુમલો : મેયર સમન લાલ ફર્નાન્ડોના નિવાસસ્થાને આગ લગાવી :કોલંબોમાં સત્તાધારી પક્ષના મજૂર નેતા મહિન્દા કહંદગામેના નિવાસસ્થાન પર પણ હુમલો : સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણ

શ્રીલંકામાં સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં રાજપક્ષે ભાઈઓના શાસક પક્ષના એક સાંસદ અને અન્ય ચાર લોકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે શ્રીલંકાના પોદુજાના પેરામુનાના સાંસદ અમરકીર્તિ અતુકોરાલા (57) પોલોન્નારુઆ જિલ્લાના પશ્ચિમી શહેર નિત્તમ્બુઆમાં સરકાર વિરોધી જૂથ દ્વારા ઘેરાયેલા હતા. તે જ સમયે લોકોનો દાવો છે કે સાંસદની કારને ગોળી વાગી હતી અને જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમને કારમાંથી બહાર કાઢ્યા ત્યારે તેમને ભાગીને એક બિલ્ડિંગમાં આશરો લીધો હતો. લોકોનું કહેવું છે કે સાંસદે પોતે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ઈમારત હજારો લોકોથી ઘેરાયેલી હતી અને બાદમાં સાંસદ અને તેમના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) મૃત હાલતમાં મળી આવ્યા હતા. ન્યૂઝ ફર્સ્ટ વેબસાઈટના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં અન્ય 27 વર્ષીય યુવકનું પણ મોત થયું હતું. આ દરમિયાન કોલંબોમાં ગોટાગોમા અને માનાગોગામા વિરોધ સ્થળો પર હિંસક હુમલા બાદ શ્રીલંકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણની બહાર ગઈ છે. SLPP પાર્ટીના નેતાઓની માલિકીની મિલકતો પર હુમલા થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ કુરુનેગાલા અને કોલંબોમાં પૂર્વ મંત્રી જોન્સન ફર્નાન્ડોની ઓફિસ પર હુમલો કર્યો છે. તેના બારમાં આગ લગાડવાના પણ સમાચાર છે.

પૂર્વ મંત્રી નિમલ લાંજાના આવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે મેયર સમન લાલ ફર્નાન્ડોના નિવાસસ્થાને આગ લગાવવામાં આવી છે. કોલંબોમાં સત્તાધારી પક્ષના મજૂર નેતા મહિન્દા કહંદગામેના નિવાસસ્થાન પર પણ હુમલો થયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો પર હુમલો કર્યા બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. લોકોએ રાજપક્ષેના સમર્થકો પર ગુસ્સો ઠાલવ્યો હતો. તેઓએ તેમના વાહનો રોક્યા અને ઘણા શહેરોમાં તેમના પર હુમલો કર્યો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ રાજપક્ષેના પૈતૃક ઘરને સળગાવી દીધું છે.

મહિન્દા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયની સામે તેમના સમર્થકોએ સરકાર વિરોધીઓ પર હુમલો કર્યાના કલાકો બાદ રાજીનામું આપ્યું હતું. આ હુમલામાં ઓછામાં ઓછા 174 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને રાજધાનીમાં સેના તૈનાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડારની અછતને કારણે આ સંકટ ઊભું થયું છે, જેનો અર્થ એ છે કે દેશ ખાદ્યાન્ન, ઇંધણની આયાત માટે ચૂકવણી કરી શકતો નથી.

   

(11:15 pm IST)