મુખ્ય સમાચાર
News of Monday, 9th May 2022

નર્કથી પણ ખરાબ છે ISISની જેલ ! દુનિયામાં સૌથી ભયાનક અત્‍યાચાર

જેલમાં ઇલેકિટ્રક શોક આપવા સહિત કેદીઓને પેટ્રોલમાં ડુબાડીને ખુરશીમાં બાંધવામાં આવતા હતા : ત્‍યારબાદ આતંકવાદીઓ કેદીને આગ લગાવાની ધમકી આપીને પૂછપરછ કરતા હતા

નવી દિલ્‍હી તા. ૯ : મિડલ ઈસ્‍ટના જે વિસ્‍તારો પર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો કબજો છે તે દુનિયાના સૌથી ખતરનાર વિસ્‍તાર તરીકે જાણીતા છે. આતંકવાદીઓ આ વિસ્‍તારોમાં ખૂબ જ ક્રૂર રીતે ટોર્ચર કરે છે. સંગઠન આ વિસ્‍તારોને ‘ઇસ્‍લામિક સ્‍ટેટ' કહે છે જયાં સામાન્‍ય ભૂલ હોય તો પણ જેલની સજા મળે છે. અહીં જેલની અંદરની સ્‍થિતિ જોઈને કોઈપણ ડરી જાય તેવો માહોલ હોય છે.

એક ઈન્‍ટરનેશનલ ન્‍યૂઝ રિપોર્ટ મુજબ, આઈએસઆઈએસની જેલમાં જે સજા આપવામાં આવે છે તેમાં માર મારવો, શરીરને બાંધવું અથવા ખેંચવું વગેરે સામેલ છે. અહીં અમાનવીય રીતે ટોર્ચર કરવામાં આવે છે. એક રિપોર્ટમાં અહીં કેદીઓને કયા પ્રકારની સજા આપવામાં આવે છે તે જણાવાયું છે.

આઈએસઆઈએસની જેલમાં ઈલેક્‍ટ્રિક શોક આપવા સહિત કેદીઓને પેટ્રોલમાં ડુબાડીને ખુરશીમાં બાંધવામાં આવતા હતા. ત્‍યારબાદ આતંકવાદીઓ કેદીને આગ લગાવાની ધમકી આપીને પૂછપરછ કરતા હતા. આ પ્રકારના ટોર્ચરનો સામનો કરી ચૂકેલા એક કેદીએ જણાવ્‍યું કે આતંકવાદી એક જગમાં તેલ લાવ્‍યો અને મારા પર નાખ્‍યું. ત્‍યારબાદ મને જણાવાયું કે ભૂલ સ્‍વીકારો નહીંતર સળગાવી દઈશ.

જયારે આ જેલોમાં મહિલાઓને ટોર્ચર કરવા માટે તેઓની છાતી પર હુમલો કરવામાં આવતો હતો. આ સિવાય જેલમાં કેદીઓને નાનકડા એવા પાંજરામાં કેદ કરવામાં આવતા હતા કે જયાં લોકોના કાપેલી હાલતમાં માથા મૂકેલા જોવા મળતા હોય. એક રિપોર્ટ મુજબ, એક મહિલાને એક પાંજરામાં બંધ કરવામાં આવી હતી કે જેમાં શરીરના કેટલાંક કપાયેલા અંગ પડ્‍યા હતા. બાદમાં એવું જાણવા મળ્‍યું કે આ અંગ તેના ભાઈના જ હતા. એક મહિલાએ જણાવ્‍યું કે કેદી મહિલાના પાંજરામાં તેના ભાઈનું કપાયેલું માથું પડ્‍યું હતું જે જોતાં જ તેણે ડરીને ચીસો પાડી હતી. આ મહિલા આગામી ૨ દિવસ સુધી કશું બોલી નહીં અને કશું જમી પણ નહોતી.

(10:30 am IST)