મુખ્ય સમાચાર
News of Sunday, 9th May 2021

શહેરો બાદ હવે ગામડા પણ પરમાત્મા પર નિર્ભર : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો કટાક્ષ : પહેલા રાહુલ ગાંધીએ કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરી માત્રામાં ઓક્સિજન આપવા માટેની અપીલ કરી હતી

નવી દિલ્હી, તા. ૯ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી કોરોના સંકટને લઈને સતત મોદી સરકાર પર હુમલા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ, 'શહેરો બાદ હવે ગામડા પણ પરમાત્મા નિર્ભર.'

આ પહેલા આજે રાહુલ ગાંધીએ ટ્વિટર પર બે તસવીરો શેર કરી હતી. પ્રથમ તસવીરમાં કેટલાક લોકો ઓક્સિજન સિલિન્ડર લેવા માટે લાઇનમાં ઉભા જોવા મળી રહ્યા છે. તો બીજી તસવીર દિલ્હીના ઈન્ડિયા ગેટ પાસેની છે, જ્યાં ખોદકામ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર તસવીરે શેર કરતા લખ્યુ- દેશને પીએમ આવાસ નહીં, શ્વાસ જોઈએ.

તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરી માત્રામાં ઓક્સિજન આપવાની અપીલ કરી હતી. તેમણે કોરોના દર્દીઓને બચાવવા માટે સૂચનો પણ કર્યા હતા. તેમણે એક ટ્વીટ દ્વારા કહ્યુ, દેશવાસીઓને બચાવવા માટે જરૂરી છે કે મોટા પાયા પર લોકોને વેક્સિન આપવી. સાચા આંકડા અને નવા કોરોના સ્ટ્રેનનું વિશ્લેષણ. આ સાથે નબળા વર્ગને આર્થિક સહાય કરવી. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ, દુર્ભાગ્યથી કેન્દ્ર સરકાર સાબિત કરી રહી છે કે તેનાથી આ થઈ શકશે નહીં.

કોંગ્રેસે કોરોના મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખી શનિવારે કહ્યુ કે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તર પર સંપૂર્ણ લૉકડાઉન લગાવવૂ જોઈએ અને સાથે ગરીબોને છ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવી જોઈએ. પાર્ટીએ તે આરોપ પણ લગાવ્યો કે કેન્દ્ર સરકાર રસી પર જીએસટી લગાવી લૂટી રહી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, રસી માટે બજેટનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વ્યક્તિના જીવની કિંમત નથી. એવુ એટલા માટે કે પ્રધાનમંત્રીનો અહંકાર વધુ છે.

(9:44 pm IST)