મુખ્ય સમાચાર
News of Thursday, 9th May 2019

ઇવીએમ - વીવીપેટની સ્લીપ મેચ કરવાના કારણે ચૂંટણી પરિણામોમાં વિલંબ થશે

ચૂંટણીપંચે જણાવ્યું, પરિણામ ૪-૫ કલાક મોડા આવી શકે

નવી દિલ્હી તા. ૯ : લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં જનતા કયા પક્ષને પસંદ કરશે અને કેન્દ્રમાં કોની સરકાર બનશે એની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. જોકે ૨૩મીએ ચૂંટણીપંચ મતગણતરી શરૂ કરીને પરિણામ જાહેર કરશે એ સાથે જ સરકાર કોની બનશે એ સ્પષ્ટ થઈ જશે, પરંતુ મતગણતરીના દિવસે જ ફાઇનલ પરિણામ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.

ચૂંટણીપંચે જણાવ્યું કે 'સમગ્ર દેશમાં લોકસભાની સીટ પર થયેલા મતદાનના જે પરિણામ ૨૩મી મેના રોજ આવવાનાં છે એમાં થોડો વધારે સમય લાગી શકે છે, જેનું મોટું કારણ છે ઈવીએમના વોટ સાથે વીવીપેટની સ્લીપ મેચ કરવી.'

ચૂંટણીપંચના અધિકારી સુદીપ જૈને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે શ્નઆ વખતે ચૂંટણી પરિણામમાં થોડો વધારે સમય લાગી શકે છે. તેમના મત પ્રમાણે આ વખતે પરિણામ ૪-૫ કલાક મોડાં આવી શકે છે. સુદીપ જૈને જણાવ્યું કે ઈવીએમ અને વીવીપેટની સ્લીપ મેચ કરવામાં મોડું થઈ શકે છે.

નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ઈવીએમની સાથે વીવીપેટ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં વોટિંગ પછી એક સ્લીપ નીકળે છે. આમ, હવે જયારે ૨૩મેના રોજ મતગણતરી કરવામાં આવશે ત્યારે વોટની સાથે આ સ્લીપને મેચ કરવામાં આવશે. ઈવીએમમાં ચેડાં થવાની ફરિયાદ પછી ચૂંટણીપંચે ઈવીએમની સાથે વીવીપેટ લગાડવાનો પણ નિર્ણય કર્યો હતો.

(10:10 am IST)