મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્‍ટીલિયા પાસે આતંકી ષડયંત્રના 26 દિવસ થયા છતાં સચિન વાઝેએ આ બધુ કોના કહેવાથી કર્યુ ? તેનું રહસ્‍ય હજુય અકબંધ

મુંબઇ: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા પાસે આતંકી ષડયંત્રની ખોટી વાર્તા બનાવવાના આરોપમાં મુંબઇ પોલીસના એપીઆઇ સચિન વઝેની ધરપકડ થયે 26 દિવસથી વધુ સમય થઇ ગયો છે. ષડયંત્રના શંકાસ્પદ મનસુખની હત્યાના આરોપમાં ATS દ્વારા ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ કર્મી વિનાયક શિંદે અને બુકી નરેશ ગોરની પોલીસ કસ્ટડી પણ પૂર્ણ થઇ ગઇ છે. તપાસ એજન્સી NIAએ અત્યાર સુધી આ કેસમાં 8 લક્ઝરી કાર જપ્ત કરી છે. શંકાસ્પદ મહિલા સાથે પૂર્વ મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહ, પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા સહિત કેટલાક ડીસીપી અને નાના મોટા 25થી વધુ પોલીસ કર્મીઓના નિવેદન દર્જ કરવામાં આવ્યા છે. અહી સુધી કે વઝેને હપ્તો આપનારા કેટલાક બાર માલિકોની પણ પૂછપરછ કરી કોને કેટલો હપ્તો આપ્યો તે બધુ શોધી લેવામાં આવ્યુ છે પરંતુ સચિન વઝેએ આ બધુ કોના કહેવા પર અને કેમ કર્યુ તે હજુ સુધી ખબર પડી શકી નથી.

મનસુખની હત્યામાં કુલ કેટલા લોકો સામેલ હતા અને કેવી રીતે હત્યા કરવામાં આવી તે પણ NIA કે ATS શોધવામાં નિષ્ફળ રહી છે. આ મુખ્ય કેસમાં બધાનું ધ્યાન ખસીને પરમબીર સિંહ દ્વારા તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ અને પછી સચિન વઝે દ્વારા શિવસેનાના કોટામાંથી મંત્રી અનિલ પરબ પર વસૂલીનું દબાણ બનાવવાનો આરોપ લગાવ્યો હતો તેની પર છે.

બોમ્બે હાઇકોર્ટના આદેશ પર હવે સીબીઆઇ પણ મેદાનમાં આવી ગઇ છે અને એક દિવસમાં જ પરમબીર સિંહ સહિત, ડીસીપી ભુજબલ, એસીપી સંજય પાટિલ અને NIAની કસ્ટડીમાં બેઠેલા સચિન વઝેનું પણ નિવેદન દર્જ કરી લેવામાં આવ્યુ છે. સુશાંત સિંહ રાજપૂત શંકાસ્પદ મોત જેવો આ કેસ પણ હવે કેન્દ્ર વર્સિસ રાજ્ય સરકાર થઇ ગયો છે. એવામાં સવાલ છે કે મુંબઇ પોલીસને શર્મસાર કરવા અને રાજ્ય સરકારને સંકટમાં નાખનારા આ ષડયંત્રનું પુરૂ સત્ય ક્યારેય સામે આવશે કે નહી આવે?

સટ્ટાખોર સહિત કેટલાક લોકો NIAની નજરમાં

ચોકાવનારી વાત એ પણ છે કે સચિન વઝે સાથે CIUમાં કામ કરનારા એપીઆઇ રિયાઝ કાઝી, જેમણે રહસ્ય ખુલ્યા બાદ વાઝેના કહેવા પર પુરાવા નષ્ટ કરવામાં મદદ કરી તેણે અને શંકાસ્પદ સ્કોર્પિયો કાર ચલાવનારા ડ્રાઇવરને આજ સુધી ધરપકડ કરવામાં નથી આવ્યો. શંકાસ્પદ મહિલા સહિત ગુજરાતના સિમ કાર્ડ આપનારા સટ્ટાખોર સહિત કેટલાક લોકો NIAની નજરમાં છે, છતા વાત કે ધરપકડ આગળ કેમ નથી વધી રહી? સૌથી મોટો સવાલ છે કે શું સચિન વઝે કોઇ મોટા પોલીસ અધિકારી અને મંત્રીની મદદ વિના આટલું મોટું પરાક્રમ કરી શકે છે? અને શું તે ઉતાવળમાં કાવતરૂં હતું અથવા મહિનાઓથી તેની તૈયારીઓ ચાલતી હતી?

નવેમ્બર 2020માં થઇ હતી પ્લાનિંગ!

તપાસ સાથે જોડાયેલા અધિકારીઓ પાસેથી મળતી જાણકારી અનુસાર, કેટલાક એવા પુરાવા મળ્યા છે જેનાથી ખબર પડે છે કે આ ષડયંત્રની શરૂઆત નવેમ્બર 2020થી જ શરૂ થઇ ગઇ હતી પરંતુ હજુ સુધી પુરી કડી જોડાઇ નથી માટે અત્યારે કઇ કહેવુ મુશ્કેલ છે. કડીઓને જોડવાનો એજન્સી પ્રયાસ કરી રહી છે, જેની સૌથી પ્રથમ કડી ઓરંગાબાદથી 17 નવેમ્બરે ચોરવામાં આવેલી ઇકો કાર છે. 28 માર્ચે NIAને બીકેસીમાં મીઠી નદીમાંથી CPU,DVR, સચિન વઝેનું લેપટોપ અને પ્રિન્ટર સાથે એક જ નંબરના બે કાર નંબર પ્લેટ પણ મળી હતી. ખબર પડી કે તે ઇકો કારની નંબર પ્લેટ છે અને તેને 17 નવેમ્બરે ઓરંગાબાદમાંથી ચોરવામાં આવી હતી.

કારનો ઠાણે અને મુંબઇમાં દેખાવુ સંયોગ કે ષડયંત્ર?

મીઠી નદીમાંથી નંબર પ્લેટ મળ્યા બાદ જ્યારે તે ઇકો કારની તપાસ શરૂ થઇ તો ચોકાવનારી જાણકારી મળી. મુંબઇ અને ઠાણેમાં તે ઇકો કાર 4 માર્ચે સાંજે સીસીટીવીમાં કેદ થઇ છે. મહત્વપૂર્ણ છે કે 4 માર્ચની રાત્રે ઠાણેમાં મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. ઓરંગાબાદથી 17 નવેમ્બર 2020માં ચોરવામાં આવેલી કારની નંબર પ્લેટ મીઠી નદીથી એન્ટીલિયા કેસ સાથે જોડાયેલા પુરાવા સાથે મળવુ અને પછી 4 માર્ચની રાત્રે મુંબઇ અને ઠાણેમાં કારનું દેખાવુ શુ આ માત્ર સંયોગ હોઇ શકે છે? જો, ના તો આ સ્પષ્ટ છે કે ષડયંત્રનું પ્લાનિંગ નવેમ્બર મહિનાથી જ શરૂ થઇ ગયુ હતું.

વસઇમાં થઇ હતી ષડયંત્રની મીટિંગ!

ધરપકડ કરાયેલા સચિન વઝે અને વિનાયક શિંદેનું મળવાનું એક સ્થળ વસઇનું એક ફાર્મ હાઉસ પણ છે. ખબર પડે છે કે 24 ફેબ્રુઆરીએ પહેલાથી તે મીટિંગમાં ષડયંત્રની પુરી વાત બનાવવામાં આવી હતી, તે મીટિંગમાં કેટલાક અન્ય લોકો પણ સામેલ હતા જેમના નામ બહાર આવવાના બાકી છે, તે મીટિંગ બાદ જ અમદાવાદમાં નકલી સિમ કાર્ડનો જુગાડ લગાવવામાં આવ્યો જેથી મોબાઇલ નંબરથી કોઇ તપાસ એજન્સી અસલી આરોપી સુધી ના પહોચી શકે. નકલી સિમ કાર્ડ અપાવનારા ઠક્કર નામના તે સટ્ટાખોરનું નિવેદન પણ દર્જ થઇ ગયુ છે. NIA કોર્ટમાં કહી ચુકી છે કે બુકી નરેશ ગૌર પાસેથી એક ચિટ મળી છે જેમાં 14 મોબાઇલ ફોન નંબર લખેલા હતા, તેમાંથી 5 સિમકાર્ડ વાઝેને આપવામાં આવ્યા હતા. બાદમાં તે ફોન નંબરનો ઉપયોગ પુરા ષડયંત્રને પ્લાન્ટ કરવા અને પછી 4 માર્ચની રાત્રે મનસુખ હિરેનને ફોન કરીને બોલાવવા માટે કરવામાં આવ્યો હતો. 4 માર્ચની રાત્રે જ મનસુખ હિરેનની હત્યા કરી લાશને મુમ્બ્રા રેતી બંદરમાં ફેકી દેવામાં આવી હતી.

મુંબઇના નાના ચોકથી એક્ટિવેટ કરવામાં આવ્યા હતા અમદાવાદના 5 સિમકાર્ડ

તપાસમાં આ વાતની જાણકારી મળી છે કે તમામ 5 મોબાઇલ ફોન નંબર નાના ચોક વિસ્તારમાંથી એક્ટિવેટ કરવામાં આવ્યા હતા. એજન્સીએ તે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે જેમાં અમદાવાદના તમામ સિમ કાર્ડ એક્ટિવેટ કરવામાં આવ્યા હતા. 3 માર્ચે તે સિમકાર્ડમાંથી એકનું લોકેશન અંધેરીમાં મળ્યુ છે, જેને કારણે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા સાથે સતત બે દિવસ સુધી પૂછપરછ થઇ ચુકી છે. ખબર પડી છે કે સ્કોર્પિયો ક્યા પાર્ક કરવી છે તેની વિનાયક શિંદેએ એક બે દિવસ પહેલા જઇને રેકી કરી હતી. વિનાયક શિંદે પ્રદીપ શર્માનો નજીક રહી ચુક્યો છે.

2 લોકોના એન્કાઉન્ટરની હતી યોજના

NIA કસ્ટડીમાં 26 દિવસથી પડેલા સચિન વઝેએ વધુ એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સી સુત્રો અનુસાર વાઝેએ જણાવ્યુ છે કે આતંકી ષડયંત્ર પ્લાન્ટ કર્યા બાદ તપાસને બંધ કરવા માટે 2 લોકોના એન્કાઉન્ટરની યોજના હતી, તેની માટે 2 વ્યક્તિઓની ઓળખ પણ કરવામાં આવી હતી.

વધુ પડતો આત્મવિશ્વાસ ભારે પડ્યો

એપીઆઇ સચિન વઝેને વધુ પડતો આત્મવિશ્વાસ અને ATSના DIG શિવદીપ લાંડે સાથેના ખરાબ વ્યવહારે પુરી રમત બગાડી નાખી હતી. મહત્વપૂર્ણ છે કે 25 ફેબ્રુઆરીની રાત્રે જ ATS સ્કોર્પિયોના માલિક મનસુખની ઓળખ કરી વઝેની નકલી રમતની પોલ ખોલી દીધી હતી.

(5:51 pm IST)