મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

લો કર લો બાત

વેકસીન લેવા રેસ્ટોરન્ટમાં ફ્રીમાં લંચ-બીયર-દારૂની ઓફરઃ કયાંક ડીસ્કાઉન્ટ

સરકારો- કંપનીઓ લોકોને પ્રેરિત કરવા આપી રહી છે પ્રલોભનો

નવી દિલ્હી, તા.૯: કોરોના સામે લડવાના હથિયાર તરીકે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. તેવામાં રસીકરણને સ્પીડ આપવા માટે તમામ દેશોમાં સરકાર અને ખાનગી કંપનીઓ લોકોને પ્રેરિત કરવા માટે અલગ અલગ પ્રકારની ઓફરો આપી રહી છે. જેમાં રેસ્ટોરન્ટમાં ફ્રી જમવાથી લઈને બિયર પાર્લરમાં મફત બિયર અને બારમાં સસ્તી દારુથી લઈને ગાંજા સુધીની ઓફર સામેલ છે. પ્રખ્યાત કેબ સર્વિસ કંપની ઉબરે મોટું એલાન કર્યુ છે. કંપની દિલ્હીમાં ૧.૫ કરોડ રુપિયા સુધીની મફત રાઈડ આપશે. જેથી લોકો ફ્રીમાં કેબમાં આવી જઈ શકશે. ત્યારે અમેરિકાના ઓહિયોમાં માર્કેટમાં ગાર્ડન બ્રુઅરીએ રસી લગાવનારને ૨૦૨૧ લોકોને ૫ વાર મફત બિયર પિવડાવવાની ઓફર કરી છે.

ભારતમાં જૂની દિલ્હી અને કનોટ પ્લેસની એક રેસ્ટોરન્ટમાં રસી લેનારને ખાવાના બિલ પર ૨૦-૩૦ ટકાની છુટ આપી છે. રેસ્ટોરન્ટ પોતાના ગ્રાહકોને મોબાઈલ પર મેસેજ મોકલી રહી છે.

કેબ એગ્રીગેટર ઉબરે ભારત સહિત એશિયા, ઉત્ત્।ર અમેરિકા અને યુરોપમાં રસીકરણ માટે ફ્રી રાઈડની ઓફર કરી છે. કંપનીએ કહ્યું કે રસીકરણ સેન્ટર સુધી જવા માટે અસક્ષમ લોકોને એક કરોડ ફ્રી રાઈડ મળશે.

અમેરિકામાં મૈક ડોનાલ્ડ્સ,  AT&T, ઈંસાકાર્ટ, ટારગેટ, ટ્રેડર જોસ, કોબાની જેવી કંપનીઓએ રસી લગાવનારા પોતાના સ્ટાફને લીવ અને કેશ આપવાનું એલાન કર્યુ છે. રસી સેન્ટર સુધી જવાનું ભાડુ ૩૦ ડોલર(૨૨૦૦ રુપિયા) આપવાનું પણ એલાન.

અમેરિકાની ડોનટ કંપની ક્રિસ્પી ક્રીમે રસી લગાવનારને ૨૦૨૧ સુધી રોજ મફત એક ડોનટ ખવડાવવાની ઓફર કરી છે. આ માટે લોકોએ બસ મોર્ડરેના, ફાયજર અથવા જોનસન એન્ડ જોનસનની રસી લગાવી હોવાનું કાર્ડ બતાવવાનું રહેશે. ત્યા અમેરિકા અને અન્ય દેશોમાં બિઝનેસ કરનારી કંપની માર્કેટ ગાર્ડન બ્રુઅરીએ રસી લગાવનારા પહેલા ૨૦૨૧ લોકોને મફત ૫ વાર બિયર પીવડાવવાની ઓફર કરી છે.

ત્યારે  મિશિગનમાં મેડિકલ મારિજુઆના એટલે કે ગાંજો વેચનારી કંપનીએ રસી લગાવનારા લોકોને ફ્રીમાં રોલ્ડ જવોઈન્ટ(ગાંજો) આપવાનો વાયદો કર્યો છે. ચીનમાં સરકાર અને કંપનીઓ રસીને લઈ અનેક ઓફર આપી રહ્યા છે. ત્યારે ચીનના ઉત્તરી ગાંસૂ પ્રાંતમાં અને હેનાનના એક શહેરમાં સ્થાનીય સરકારની રસી ન લેનારાને નોકરીમાંથી કાઢી મુકવાની ચેતવણી સાથે બાળકોનો અભ્યાસથી લઈ દ્યર છીનવી લેવાની ધમકી આપી છે.

ચીનની રાજધાની બેજિંગમાં અનેક રસીકરણ સેન્ટરની બહાર મેકડોનાલ્ડ ફ્રીમાં ૨ આઈસક્રીમ ખવડાવવાનું બોર્ડ લગાવ્યુ છે. જયાં રસી લગાવ્યા બાદ તમે સર્ટિફિકેટ બતાવી આઈસક્રિમની મજા લઈ શકો છો.

ચીનમાં એક સરકારી ફોટો સ્ટૂડિયો રસી લેનારને વેડિંગ આલ્બમ પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે.

(4:03 pm IST)