મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

કુંભમેળામાં હિન્દી ફિલ્મ સ્ટાઇલ સીનઃ ખોવાયેલી મહિલાનું પરિવાર સાથે પાંચ વર્ષે થયું મિલન

૬૫ વર્ષનાં કૃષ્ણાદેવીના કિસ્સાએ વધુ એક વખત કુંભમેળાની લોસ્ટ એન્ડ ફાઉન્ડ પરંપરા જાળવી છે

હરિદ્વાર, તા.૯: ઉત્તર પ્રદેશનાં સિનિયર સિટિઝન કૃષ્ણાદેવીનો પરિવાર પાંચ વર્ષથી તેમની રાહ જોતો હતો. તેઓ ૨૦૧૬ના અર્ધ-કુંભમેળામાં ખોવાઈ ગયાં હતાં. તાજેતરમાં હરિદ્વારના મહા કુંભમેળામાં તેમનો પરિવાર સાથે મેળાપ થયો હતો. ૬૫ વર્ષનાં કૃષ્ણાદેવીના કિસ્સાએ વધુ એક વખત કુંભમેળાની લોસ્ટ એન્ડ ફાઉન્ડ પરંપરા જાળવી છે.

મેળામાં કોઈ પરિવારજનનું વર્ષો પછી મિલન થયું હોવાના સીન આપણે હિન્દી ફિલ્મોમાં ઘણી વાર જોયા છે.

કૃષ્ણાના પતિ જવાલાપ્રસાદે તેઓ ગુમ થયાં હોવાની ફરિયાદ પોલીસ-સ્ટેશનમાં નોંધાવવા ઉપરાંત એ બાબતની જાહેરખબર ન્યુઝપેપર્સ અને ટેલિવિઝનમાં પ્રકાશિત કરાવી હતી. પરિવારથી વિખૂટાં પડ્યા પછી કૃષ્ણાદેવી  ત્રિવેણી ઘાટ શેલ્ટર હોમમાં રહેતાં હતાં. તેમનો પરિવાર હંમેશાં જે રીતે શોધખોળ કરતો હતો એ રીતે હરિદ્વારના મહા કુંભમેળામાં સ્થાનિક પોલીસના પ્રયાસથી તેમનો કુટુંબ સાથે મેળાપ થયો હતો. બુધવારે કૃષ્ણાદેવીનો પરિવાર હરિદ્વારના ત્રિવેણી શેલ્ટર હોમમાં જઈને તેમને લઈ ગયો હતો.

(3:05 pm IST)