મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

સપનુ આવ્યુ કે હથિયાર ઉઠાવ અને પરિવારને મારી નાખ

માં અને ભાઇને હથોડા મારી મારીને પતાવી દીધા રાજસ્થાનના અજમેરની ઘટના

જયપુર,તા. ૯: રાજસ્થાનના અજમેરમાં એક કાળજું કંપાળ દેનારી ઘટના જાહેર થઇ છે. જેમાં એક વ્યકિતએ પોતાના જ પરિવારના લોકોને મારી નાખ્યા હતા. અજમેર જીલ્લાના ભિનાય ગામમાં એક વ્યકિતએ પહેલા પોતાની માતા અને પછી ભાઇની હથોડાથી મારી મારીને હત્યા કરી નાખી હતી. તે એટલો સનકી થઇ ગયો હતો કે માતા અને ભાઇની હત્યા કર્યા પછી તેને પિતા અને ત્રણ અન્ય ભાઇઓ પર પણ હુમલો કર્યો હતો અને પછી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ભાસ્કરના સમાચારો અનુસાર આરોપીની ઓળખ અમરચંદ તરીકે થઇ છે જ્યારે મૃતકોના નામ કમલા દેવી અને શિવરાજ છે. આરોપીએ પોતાની ભાભી અને ભત્રીજી પર પણ હુમલો કર્યો હતો પણ તેઓ યેન કેન પ્રકારે ત્યાંથી છટકીને પોતાનો જીવન બચાવવામાં સફળ થયા હતા. જણાવાઇ રહ્યુ છે કે ઘરની વીજળી બંધ કરીને આરોપી લગભગ બે કલાક મોતનો આ ખેલ ખેલતો રહ્યો.

બનાવના ૧૫ કલાક પછી પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસની પુછપરછમાં આરોપીએ કહ્યુ કે તે રાત્રે છત પર સુતો હતો. અને તેને સપનુ આવ્યુ કે હથિયાર ઉઠાવ અને કુટુંબીજનોને મારી નાખ. જ્યારે તેની ઉંધ ઉડી તો તેણે બરાબર એ રીતે ઘટનાને અંજામ આપ્યો. જો કે પોલિસ તેની વાત પર વિશ્વાસ નથી મુકી રહી. એમ પણ કહેવાય છે કે આરોપી ડીપ્રેશનનો શિકાર હતો. આશ્ચર્યની વાત તો એ છે ગામ લોકોએ જ્યારે તેને મા અને ભાઇના મોતની વાત કરી તો તે રોવા લાગ્યો.

(3:04 pm IST)