મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

કોરોનાને હણવા ૭૫ સંજીવની - ધન્વંતરી રથ દોડાવાયા

૯ ટેસ્ટીંગ બુથમાં ટેસ્ટીંગ શરૂ : તમામ સ્થળે મંડપ - પાણીની વ્યવસ્થા : લોકોને ગભરાયા વગર ટેસ્ટીંગ કરાવી સારવારનો લાભ લ્યે : મેયર પ્રદિપ ડવ - સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ - આરોગ્ય ચેરપર્સન ડો. રાજેશ્વરી ડોડિયા - કમિશનર ઉદિત અગ્રવાલની અપીલ

રાજકોટ તા. ૯ : શહેરમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે મ.ન.પા. દ્વારા હવે કોરોના કાબુમાં લેવા નવા ૭૫ જેટલા ધન્વંતરી રથ - સંજીવની રથનો પ્રારંભ કરાવાયો છે. ઉપરાંત શહેરમાં આજથી કુલ ૯ સ્થળે ટેસ્ટીંગ બુથ શરૂ કરી દેવાયા છે.

આ અંગે મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, શહેરમાં કોરોના વાયરસની સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૩૦ સંજીવની તથા GVK નાં ૧૫ ધનવંતરી રથ મળી કુલ ૪૫ વાહનો કોરોના અંતર્ગતની કામગીરીમાં આજરોજ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પેડક રોડ પર પાણીના ઘોડા પાસે તથા સોરઠીયા વાડી ચોક ખાતે ટેસ્ટીંગ બુથ પણ શરૂ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ૪૮ ધનવંતરી રથ ૧૯ સંજીવની રથ, ૧૦૪ વ્હીકલ, ટેસ્ટીંગ વાન ૩૬ કોરોના અંતર્ગત ફીલ્ડવર્ક કરી રહેલ છે. જેમાં આજરોજ ઉપરોકત ૪૫ વાહનોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી લોકોને વધુ ઝડપથી મેડીકલ સુવિધા મળી રહે. ટેસ્ટીંગ બુથમાં પણ વધારો કરી કુલ ૯ બુથમાં ટેસ્ટીંગ કામગીરી ચાલી રહી છે. ટેસ્ટીંગ બુથમાં ટેસ્ટ કરાવવા આવતા લોકોને જુદી જુદી સુવિધાઓ જેવી કે, બેસવાની, પાણીની, મંડપ વિગેરે વ્યવસ્થા કરવાનું મેયર ડો.પ્રદિપ ડવએ સુચના આપેલ.

કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની ખુબ જ જરૂર છે. ખાસ કરીને સિનિયર સીટીઝન અને બાળકોને કામ સિવાય ઘરની બહાર જવું જ નહિ. તેમજ તાવ, શરદી, ઉધરસના સામાન્ય લક્ષણ જણાય તો પણ કોઇપણ જાતના ગભરાટ રાખ્યા વગર કોરોના ટેસ્ટ કરાવી લેવો. આ ઉપરાંત, કોરોનાની સામે રામબાણ ઈલાજ એટલે કે, ૪૫ વર્ષથી ઉપરના બાકી રહેતા લોકોએ વહેલાસર કોરોના સામેની રસી લઇ લેવા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયાએ અપીલ કરેલ છે.

(2:56 pm IST)