મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

કાશ્મિરના ત્રાલમાં ધાર્મિક સ્થળમાં છુપાયેલા આતંકવાદી- સુરક્ષાદળ વચ્ચે અથડામણ: બે આતંકીઓને કરાયા ઠાર

અથડામણમાં ત્રણ સૈન્ય જવાનો ઈજાગ્રસ્ત :સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

શ્રીનગર :કાશ્મિરમાં સુરક્ષા બળને મોટી સફળતા સાંપડી છે. અવંતીપોરાના ત્રાલમાં આતંકીઓ સાથે થયેલ જૂથ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે જૂથ અથડામણમાં ત્રણ સૈન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા તેમને સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યા ફરજ પરના તબીબે એક સૈન્ય જવાનની હાલત ગંભીર ગણાવી છે.

આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં છુપાઈ ગયા છે. જ્યાથી સુરક્ષા જવાનો ઉપર સતત ગોળીબાર કરી રહ્યાં છે. જો કે સુરક્ષાબળના જવાનોએ સમગ્ર વિસ્તારને ધેરી લીધો છે. અને ધાર્મિક સ્થળમાંથી ગોળી વરસાવી રહેલા આતંકીઓને શરણે આવવા માટે મોકો આપ્યો છે.

ગુપ્તચર એજન્સીઓએ ત્રાલના નૌબુગ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી આપી હતી. જેના આધારે કાશ્મિર પોલીસ અને સૈન્યે આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો છે. જો કે આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં છુપાઈ ગયા છે.

સુરક્ષા જવાનોએ, સ્થાનિક લોકોની મદદથી ધાર્મિક સ્થળમાં ભરાઈ બેઠેલા આતંકવાદીઓને શરણે આવવા સમજાવી રહ્યાં છે. એક આતંકવાદીના ભાઈ અને સ્થાનિક ઈમામને ધાર્મિક સ્થળની અંદર આતંકવાદીઓને સમજાવવા મોકલ્યા છે. પરંતુ આતંકવાદીઓ શરણે આવવા માંગતા નથી.

આતંકવાદીઓએ ધાર્મિકસ્થળની અંદરથી જ સુરક્ષાબળના જવાનો ઉપર ગોળીઓ વરસાવી હતી. વળતા જવાબરૂપે સુરક્ષા બળોએ કરેલા ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયાની વાત સામે આવી છે. ધાર્મિક સ્થળની અંદર કેટલા આતંકવાદીઓ છે તેની જાણ નથી પણ આત્મસમર્પણ માટે અંદર ગયેલા આતંકવાદીના ભાઈ અને ઈમામને પુછપરછ કરવામાં આવી રહી છે.

(12:51 pm IST)