મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

આજથી ક્રિકેટનો કાર્નિવલઃ IPLનો રોમાંચઃ વિરાટ- રોહિત વચ્ચે જંગ

સાંજે ૭:૩૦ વાગ્યાથી આઈપીએલનો બ્યુગલ ફૂંકાશેઃ ૩૦ મે સુધી ચોગ્ગા- છગ્ગાની રમઝટ જામશે : કાલે ધોની વિ.પંત અને રવિવારે હૈદ્રાબાદ વિ.કોલકતા વચ્ચે મુકાબલો

નવીદિલ્હીઃ દેશભરમાં કોરોના પોતાનો કાળો કેર વરસાવી રહ્યો છે. તે વચ્ચે આઈપીએલની શરૂઆત થવા જઈ રહી છે. તેથી ઘરે બેઠા લોકો ડરના માહોલ વચ્ચે મનોરંજન મેળવી શકશે અને રિલેકશ પણ અનુભવી શકશે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે સાંજે ૭.૩૦ વાગે આઇપીએલ-૧૪ની પ્રથમ ટક્કર થશે. બીજી રીતે કહીએ તો ટીમ કોહલી અને ટીમ રોહિત શર્મા વચ્ચેનો આ પ્રતિષ્ઠિત જંગ બની રહેશે.

મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, સન રાઇઝર્સ હૈદ્રાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ એમ આઠ ટીમો વચ્ચે આઇપીએલ ટ્રોફી જીતવા માટે જંગ જામશે. ફાઇનલ ૩૦ મે ના રોજ અમદાવાદમાં યોજાનાર છે.

ચેન્નાઇ, મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા એમ છ સેન્ટરમાં જ આઇપીએલ ની મેચો રમાશે.

આજે પ્રથમ મેચ ચેન્નાઇમાં છે પણ તે પછી મુંબઇમાં પણ ૧૦ મેચો ૨૬ એપ્રિલ સુધીમાં યોજાશે. તેવામાં આઇપીએલનું આયોજન કોરોનાના કપરા કાળમાં યોજવાની જ શું જરૂર છે તેવો પ્રશ્ન દેશના નાગરિકોના બહોળા વર્ગે ઉઠાવ્યો છે.

મહારાષ્ટ્ર અને મુંબઇ કોરોના કેસનું દેશનું એપિ સેન્ટર પુરવાર થયું છે. આઈપીએલના આયોજનને લઈને નાગરિકોના પ્રશ્ન વ્યાજબી છે કારણ કે દેશમાં પ્રત્યેક ઘેર ફફડાટ છે. અનેક ઘરોમાં મોતના કારણે માતમ છવાઈ ગયા છે. સરકાર અને મેડિકલ સિસ્ટમ્સ 'પેનિક' મોડમાં છે. રેસ્ટોરા, મોલ, સિનેમા, શુભ પ્રસંગો બધા પર નિયંત્રણો છે.

સમગ્ર દેશમાં હતાશા, માયુસીનો માહોલ છવાયેલો છે, સરકાર લોકડાઉન લગાવવા માટે વિચારી રહી છે. તેથી એક વખત ફરીથી સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે. માંડ-માંડ સેટ થયેલા રોજગાર-ધંધા એક વખત ફરીથી પડી ભાગે તેનો ડર દરેકને સતાવી રહ્યો છે. ત્યારે ક્રિકેટના આવા કાર્નિવલ મનોરંજન અને કરોડોની રેલમછેલ કરીને લોકોને મનોરંજન કરાવવાની શું જરૂરત પડી ગઈ છે.

(12:42 pm IST)