મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

કોરોનાને 'કાબૂ'માં લેવા વિજયભાઇનો કાફલો રાજકોટમાં

સવારે ૧૦.૩૦ વાગ્યે રાજકોટ એરપોર્ટથી મોરબી જવા રવાના : ત્યાં મીટીંગ - પ્રેસ સંબોધન બાદ બપોરે ૨ વાગ્યે રાજકોટ આવશે : નાયબ મુખ્યમંત્રી - આરોગ્ય સચિવ - મુખ્ય સચિવ પણ સાથે : બપોરે અધિકારીઓ - સાંસદ - ધારાસભ્યો - મેયર - ભાજપ અગ્રણીઓની હાજરીમાં બેઠક

રાજકોટ તા. ૯ : રાજકોટ - મોરબીમાં કોરોના બેકાબુ છે, સરકારી - ખાનગી હોસ્પિટલમાં બેડો ખૂટી પડયા છે, લોકો ત્રાહિમામ છે, આ કાળમુખા કોરોનાને કાબુમાં લેવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ડે.સીએમ નીતિનભાઇ પટેલ, આરોગ્ય સચિવ જયંતિ રવિ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને અન્ય હાઇલેવલ અધિકારીઓનો કાફલો આજે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો અને ત્યાંથી સીધા ચોપર મારફત આ કાફલો મોરબી જવા રવાના થયો હતો.

મોરબીમાં શહેર - જિલ્લાની સ્થિતિ જાણવા કલેકટર સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ ઉપરાંત ભાજપ અગ્રણીઓ સાથે મીટીંગ યોજી - પત્રકારોને સંબોધી વિજયભાઇ બપોરે ૧ાા થી ૨ની આસપાસ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ સીધા કલેકટર કચેરીએ હાઇલેવલ મેરેથોન મીટીંગ યોજી રાજકોટ શહેર - જિલ્લાની સ્થિતિ અંગે રીવ્યુ લેશે.

આ મીટીંગમાં કલેકટર સહિતના જિલ્લાના હાઇલેવલ અધિકારીઓ ઉપરાંત મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, સાંસદો - ધારાસભ્યો, ભાજપના અગ્રીમ હોદ્દેદારોને પણ બોલાવ્યા છે. મીટીંગમાં રાજકોટ શહેર - જિલ્લાની કોરોનાની સ્થિતિ, સરકારી - ખાનગી હોસ્પિટલમાં બેડ, દવા, રેમેડેસીવીયર ઇન્જેકશનો, ઓકસીજન, વેન્ટીલેટર, આરટીપીસીઆર ટેસ્ટમાં લાંબુ વેઇટીંગ, નાઇટ કર્ફયુ, લોકડાઉન વિગેરે બાબતે મંત્રણા કરનાર છે, કલેકટરે તેમના તમામ અધિકારીને ફાઇલો સાથે હાજર રહેવા આદેશો કર્યા છે, મુખ્યમંત્રી મીટીંગ બાદ પત્રકારોને સંબોધન કરનાર છે.

(10:47 am IST)