મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

શોપિયામાં સેના સાથેની ટક્કરમાં ૭ આતંકી ઠાર

ગજવા તુલ હિંદનો કમાન્ડર ઠાર : કુલ સાતનાં મોત : ધરામિક સ્થળમાં સંતાયેલા આતંકીઓ આત્મસમર્પણ માટે ન માનતા સેનાની કાર્યવાહીમાં ચાર આંતકીઓ ઠાર મરાયા

જમ્મુ, તા. ૯ : શોપિયામાં ગુરૂવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ત્યારે શુક્રવારની અથડામણમાં ગજવા-તુલ-હિંદનો ચીફ કમાન્ડર માર્યો ગયો છે.

કાશ્મીર ઝોનના પોલીસે જણાવ્યું કે, ચારે બાજુથી ઘેરાઈ ચુકેલા આતંકવાદીને સમજાવીને આત્મસમર્પણ કરાવવા અને મસ્જિદને બચાવવા માટે આતંકવાદીના ભાઈ અને સ્થાનિક ઈમામને મસ્જિદની અંદર મોકલવામાં આવ્યા હતા. પરંતુ આતંકવાદી આત્મસમર્પણ કરવા માટે તૈયાર નહોતો થયો.

ગુપ્તચર એજન્સીએ ત્રાલના નોબુગ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની માહિતી આપીહતી. તેના આધાર પર પોલીસ અને સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો હતો. ત્યારબાદ આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં સંતાઈ ગયા હતા અને ત્યાંથી સુરક્ષા દળ પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને ૪ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

અંસાર ગજવા તુલ હિંદ જૈશ-એ-મોહમ્મદનું જ એક અંગ છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. સુરક્ષા દળોએ ગુરૂવારે પણ ૩ આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધું હતું. ત્રાલ અને શોપિયામાં ગુરૂવાર અને શુક્રવાર દરમિયાન કુલ ૭ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે અને આ અથડામણમાં ૩ જવાનો ઘાયલ થયા છે.

(7:33 pm IST)