મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

મિઝોરમ પાસેથી ગુજરાતે ડીઝાસ્ટર મેનેજમેન્ટ શીખવુ રહ્યું...૨૪ માર્ચે કોરોના પોઝીટીવ કેસ જાહેર થયા બાદ આજ સુધી એક પણ કેસ નથી !

હોમ કોરન્ટાઈન અને સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખતી મહામારી ઉપર મેળવ્યો કાબુઃ વિસ્તારોને જુદા જુદા ઝોનમાં વહેંચી જડબેસલાક વ્યવસ્થા ગોઠવી

મિઝોરમ, તા. ૯ :. પૂર્વોત્તરના ખૂબસુરત રાજ્ય મિઝોરમે કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવા જે રીતનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ મોડેલ અપનાવ્યુ છે તે ગુજરાતે શીખવા જેવુ છે. આ રાજ્યમાં ૨૪ માર્ચે એક માત્ર કોરોના પોઝીટીવ કેસ સપાટી પર આવ્યો હતો, ત્યાર બાદ આજ સુધી એક પણ કેસ નોંધાયો નથી તેનો શ્રેય  મિઝોરમ સરકારને ફાળે જાય છે.

કોરોનાનો જે પોઝીટીવ કેસ નોંધાયો તે યુવાન નેધરલેન્ડથી પરત આવ્યો હતો. જેને થોડા દિવસોમાં જ વાયરસના લક્ષણો દેખાવા લાગ્યા હતા. ૧૯મી માર્ચે તાવ આવ્યા બાદ આ યુવાનને મિઝોરમ મેડીકલ કોલેજ અને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે કોરોના પોઝીટીવ હોવાનું સાબિત થયુ હતું. ત્યારથી જ સરકારે આ યુવાનની ઘનિષ્ઠ સારવારની સાથોસાથ આ રોગ પ્રસરે નહિ તે માટેના તબક્કાવાર પગલા હાથ ધર્યા હતા. જેનુ હકારાત્મક પરિણામ આજે જોવા મળી રહ્યુ છે.

કોરોનાના સંક્રમણને રોકવા માટે મિઝોરમના લોકોએ સંક્રમણની ચેઈનને તોડવા લોકડાઉનનું ગંભીરતાપૂર્વક પાલન કર્યુ હતું. પૂર્વોત્તરના જનજાતીય ક્ષેત્રોમાં બંધનું પાલન કરવાની એક સામાજિક સંસ્કૃતિ છે. અહીંયા તમામ જ્ઞાતિના સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય સ્તર સુધીના જન સંગઠનો બનેલા છે. આવા જન સંગઠનો રાષ્ટ્રીય આપાતકાલીન કે સંકટની સ્થિતિમાં સજાગ બની પોતાની ભૂમિકા ભજવે છે.

આ દરમિયાન આચારસંહિતાને લાગુ કરવાની જવાબદારી આ સંગઠનોને સોંપવામાં આવે છે. સંગઠનના સ્વયંસેવકોના જુથને સામુદાયીક પોલીસનું બિરૂદ આપવામાં આવે છે. જે દરેક વિપરીત સ્થિતિ અને સંકટમાં સામાજિક પ્રબંધોને પહોંચી વળવા માટે સક્ષમ હોય છે. આ સંગઠનો સરકાર અને સ્થાનિક ચર્ચ સાથે મળીને કામગીરી કરતા હોય છે.

વિસ્તારોને જુદા જુદા ઝોનમાં વહેંચી જડબેસલાક વ્યવસ્થા ગોઠવી

રાજ્ય સરકારે દરેક જિલ્લાને ૧૦ થી ૧૨ ઝોનમાં વહેંચીને જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે. આ સ્થિતિ ઉપર સુપરવિઝન માટે ૩ નિયંત્રણ કક્ષ ખોલવામાં આવે છે. જેમાં ૩ જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ અધિકારીઓની નીચે ૧૦થી ૧૨ સ્થાનિક ટાસ્કફોર્સ તૈનાત કરવામાં આવે છે. આ બધા વચ્ચે જોરદાર સંકલન હોય છે. શાકભાજી, દૂધ, માંસ સહિતની જરૂરી ખાધા ખોરાકની વસ્તુઓનું વિતરણ પણ આ મોડલ જ બખુબીપૂર્વક નિભાવે છે. આમ ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં મિઝોરમ દેશભરમાં નોંધનીય બની ઉભર્યુ છે.

(3:58 pm IST)