મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

કટોકટીના સમયમાં મિત્રો વધુ નજીક આવે છેઃ મોદી

'સંજીવની' બદલ ટ્રમ્પે ભારતનો આભાર વ્યકત કર્યોઃ મોદીએ આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી,તા.૯: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક ટ્વિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ ભારતીયોની પ્રશંસા કરી છે. ભારતીય તરફથી મેલેરિયા ડ્રગ હાઇડ્રોકસીકલોરોકિવન પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ તેમણે આ જવાબ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, દવા કોવિડ-૧૯ સામે ચાલી રહેલા યુદ્ઘમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આ પહેલા પણ ટ્રમ્પે ફોકસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીની પ્રશંસા કરી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું છે કે, 'અસાધારણ સમયમાં મિત્રો વચ્ચે વધુ સહકારની જરૂર હોય છે. HCQ પર નિર્ણય લેવા બદલ ભારત અને ભારતનાં લોકોનો આભાર. આપને કયારે ભૂલશું નહીં. 'આ ટ્વિટમાં તેમણે વધુમાં લખ્યું કે, 'આભાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમારા મજબૂત નેતૃત્વએ આ લડતમાં ભારતને જ નહીં પરંતુ માનવતાને પણ મદદ કરી છે.' આ પણ નોંધનીય છે કે ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે મીડિયાને સંબોધન કહ્યું હતું કે જો ભારતે પ્રતિબંધ નહીં હટાવ્યો તો તેનો બદલો લેવામાં આવશે. ટ્રમ્પે ટ્વીટ કરી હતી તે જ ભાવનાઓ તેણે ફોકસ ન્યૂઝને આપેલી મુલાકાતમાં બતાવી હતી. આ મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, તે હાઈડ્રોકસાીઇકલોરોકિવનનાં ૨૯ કરોડથી વધુ ટેબ્લેટ્સ ખરીદવા જઈ રહ્યા છે. તેમણે માહિતી આપી હતી કે જયારે તેમણે શનિવારે પીએમ મોદી સાથે ટેબ્લેટની ખરીદીની વાત કરી હતી, ત્યારે તેમણે કોવિડ-૧૯ વિરુદ્ઘ યુદ્ઘમાં ભારતની પ્રગતિની પ્રશંસા પણ કરી હતી.

(3:38 pm IST)