મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

જો આપણે નહી સુધરીએ તો લાશોના ઢગલા થઇ જશે, WHOએ અમેરિકાને રોકડું પરખાવ્યું

કોરોના વાયરસને લઈને અત્યારે રાજનીતી ન કરવી જોઈએ, અત્યારે ભેગા મળીને લડવાનો સમય છે

યુનો, તા.૯: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા આરોપ લગાવ્યા છે કે WHO બેદરકાર છે અને તે ચીન પ્રત્યે ખાસ ધ્યાન આપી રહ્યું છે. આ મામલે WHOના ડાયરકેટરે પણ વળતો કડક ભાષામાં જવાબ આપ્યો છે. WHOએ કહ્યું છે કે, કોરોના વાયરસને લઈને અત્યારે રાજનીતી ન કરવી જોઈએ. અત્યારે ભેગા મળીને લડવાનો સમય છે. જો આપણે નહી સુધરીએ તો લાશોના ઢગલા થઇ જશે. આ સમયે કોરોના સામેની લડાઈમાં ચીન અને અમેરિકાએ સાથે મળીને કામ કરવું જોઈએ. ષ્ણ્બ્ ના ડાયરેકટર જનરલ ટેડરોસે સંગઠનનો બચાવ કરતાં કહ્યું કે, નવા વર્ષે જેવી વાયરસ વિશે ખબર પડી કે સંગઠન હરકતમાં આવી ગયું હતું. ૫ જાન્યુઆરીએ તમામ દેશોને જાણ કરી દેવામાં આવી હતી. અને ત્યારબાદ ૧૦ જાન્યુઆરીએ અમે આ વાયરસ સામે લડવા ગાઈડલાઈન પણ જાહેર કરી હતી અને જયારે અમને ખબર પડી કે વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે અમે પબ્લીક હેલ્થ ઈમરજન્સી પણ લાગૂ કરી હતી.

દુનિયા પર રાજ કરતો દેશ અમેરિકા ઘરઆંગણે કોરોનાના કારણે બેહાલ છે. તેવામાં પ્રમુખ ટ્રમ્પ હવે WHO પર ભડકયા છે. ટ્રમ્પે તો WHOની ફંડિંગ રોકી દેવાની પણ ધમકી આપી છે અને આરોપ લગાવ્યો છે કે, WHO દ્વારા ચીન પર વધારે ધ્યાન આપવામાં આવ્યુ છે. અમેરિકાના લોકોનુ ધ્યાન રાખવામાં WHO નિષ્ફળ ગયુ છે. એટલુ જ નહી વૈશ્વિક સ્તરે પણ તેને સફળતા મળી નથી.

વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્યની સ્થિતિ સુધારવા માટે કામ કરતી યુનાઈટેડ નેશસન્સની સંસ્થા (WHO) ને સૌથી મોટુ ફંડિંગ અમેરિકા તરફથી મળે છે. WHOએ આગામી ચાર વર્ષમાં ૧૪ બિલિયન ડોલરના રોકાણની અપેક્ષા રાખી છે. WHOના દાવો છે કે, સંસ્થાની પહોંચ દુનિયાના એક અબજ કરતા વધારે લોકો સુધી છે. એટલે મોટા રોકાણની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસ બેલગામ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪ લાખને પાર અને ૧૨,૮૫૭ લોકોના મોત પણ થઈ ચૂકયા છે. માત્ર છેલ્લા ૨૪ કલાકમાં ૨ હજારથી પણ વધારે લોકોના મોત થઈ ચૂકયા છે અને ૩૩,૩૩૧ નવા સંક્રમિત કેસ મળી આવ્યા છે. જેને જોઈને ડોનાલ્ડ ટ્રંપના હોશ ઉડી ગયા છે.

(3:34 pm IST)