મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

ગુજરાતના કોંગી ધારાસભ્યના મોટાભાઈનું અમેરિકામાં કોરોના વાયરસમાં મૃત્યુ

માણસા : સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં આવી ગયું છે. તેવામાં મૂળ ભારતીય અને પ્રવાસે ગયેલા ગુજરાતીઓ કોરોનાને લઇને મુશ્કેલીમાં મુકાયા છે.  અમેરિકાના ન્યુજર્સીમાં  માણસાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેશભાઈ પટેલના કઝીન મોટાભાઈ અરવિંદ પટેલનું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે.

સુરેશભાઈનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલો છે. ત્યારે તેમના પરિવારના ૩૦૦ સભ્યો બિઝનેસ સાથે સંકળાયેલ છે, જેને લઇને પરિવારની ભારતથી અમેરિકા અને અમેરિકાથી ભારત આવન-જાવન સતત રહે છે. સુરેશભાઈના કાકાના દિકરા મોટાભાઇ અરવિંદભાઈ પટેલ પણ અમેરિકામાં હતા, જેમનું કોરોનાના કારણે મોત થયું છે. એક મહિના પહેલા ૨ મહિનાના પ્રવાસે અરવિંદભાઈ પટેલ ન્યૂજર્સી ગયા હતા. તેમના પત્નીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કલોલ પાસે આવેલા પલિયડથી અરવિંદભાઈ પટેલ તેમના ભાઇ બિમાર હોવાથી તેમના ખબર પૂછવા માટે અમેરિકા ગયા હતા. તેઓ ત્યાં તેમની પુત્રીને ત્યાં થોડો સમય રોકાયા હતા. ત્યારબાદ ત્યાં તેમને ઉધરસ અને શરદીની સમસ્યા થઇ હતી. જેને લઇને તેમને સ્થાનિક હોસ્પિટલમાં બતાવવા માટે લઇ ગયા હતા. જયાં તપાસ દરમિયાન કોરોના પોઝિટિવ આવતા સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું ન્યૂજર્સીમાં મૃત્યુ થતા માણસા તાલુકા અને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં શોક ફેલાયો હતો.

(11:26 am IST)