મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

સરકારની ચિંતા વધીઃ મળી રહ્યા છે 'ફોલ્સ નેગેટિવ' દર્દી

કોઈપણ લક્ષણ વગરના દર્દીથી મહામારી ફેલાવાની શકયતા વધુઃ વિશ્વમાં આવા ૩૦ દર્દી મળ્યા

નવી દિલ્હી, તા. ૯ :. દેશમાં કોરોના સંક્રમણના ફેલાવા વચ્ચે 'ફોલ્સ નેગેટીવ' દર્દીઓ મળી આવવાથી સરકારની ચિંતાઓમાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે સ્વીકાર્યુ છે કે દેશમાં પણ હવે લક્ષણો વગરના કોરોના સંક્રમિતો મળી રહ્યા છે જે ચિંતાની વાત છે. આવા દર્દીઓથી સંક્રમણ ફેલાવાનું જોખમ વધારે હોય છે. આવા દર્દીઓને 'ફોલ્સ નેગેટીવ' કહેવામાં આવે છે. દુનિયામાં આવા લગભગ ૩૦ ટકા દર્દીઓ મળી આવ્યા છે. મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે આરોગ્ય કર્મચારીઓમાં સંક્રમણ ફેલાવા બાબતે ચિંતા વ્યકત કરતા જણાવ્યુ કે આરોગ્ય કર્મચારીઓ સુરક્ષિત રહે એ માટેનું પ્રશિક્ષણ તેમને અપાઈ રહ્યુ છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે 'દીક્ષા' નામનું ટ્રેનિંગ મોડયુલ તૈયાર કર્યુ છે, જેનાથી નર્સિંગ સ્ટાફ અને બધા સ્વયંસેવકોને પ્રશિક્ષિત કરાશે.

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્રણ દિવસમાં ૧૪૪૩ દર્દીઓ વધ્યા છે. જ્યારે બે દિવસમાં ૩૮ લોકોના મોત થયા છે. દર્દીઓની સંખ્યા ૫૨૭૪ થઈ છે અને કુલ ૧૪૯ લોકોના મોત થયા છે. જ્યારે ૪૧૦ દર્દીઓ સારવાર પછી લાભ થયા છે. લવ અગ્રવાલે જણાવ્યુ કે કેસ વધવાની સાથે અમારી કાર્યવાહી પણ ઝડપી બની જાય છે. અમારો પ્રયત્ન સંક્રમણની કડી તોડવાનો હોય છે. એટલે જ રાજ્યોમાં હોટસ્પોટવાળા વિસ્તારોમાં કડકાઈ વધારી દેવાઈ છે.

કોરોનાના ઈલાજમાં વપરાતી હાઈડ્રોકસીકલોરોકવીન (એચસીકયુ) દવા અંગે અગ્રવાલે કહ્યુ કે દેશમાં તેની કોઈ અછત નથી અને ભવિષ્યમાં પણ નહીં થાય. આ દવા આરોગ્ય કર્મચારીઓના ઉપયોગ માટે જ નક્કી કરાઈ છે. એટલે લોકોએ ડોકટરની સલાહ વગર તેને ન લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે સરકારે તેની નિકાસ પરથી પ્રતિબંધો હટાવી લીધા છે.

કોરોના દર્દીઓની સંખ્યા સપ્તાહના અંત સુધીમાં એટલે કે ૪ દિવસમાં ૧૦ હજાર સુધી પહોંચી શકે છે. આરોગ્ય મંત્રાલય અનુસાર બે દિવસોમાં દર્દીઓમાં ૩૪ ટકાના વધારા સાથે આંકડો ૪૭૮૯ થઈ ગયો છે. જો કે વધારો શરૂઆતના બે દિવસોની સરખામણીમાં બહુ ધીમો છે. પહેલા બે દિવસમાં ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો અને આંકડો ૩૫૭૭ થઈ ગયો હતો. એવો અંદાજ મુકવામાં આવ્યો હતો કે બુધવારે સાંજ સુધીમાં આંકડો પાંચ હજારને વટી જશે પણ બપોર સુધીમાં જ પાંચ હજારથી વધારે દર્દીઓ થઈ ગયા હતા.

લોકડાઉનના ૧૫ દિવસ પછી પણ સંક્રમણમાં વધારો થતો જાય છે. એટલે અનુમાન કરાઈ રહ્યુ છે કે આગામી ચાર દિવસમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ શકે છે. તેની સીધી અસર હોસ્પીટલો પર પડશે. દર્દીઓની વધારી પડતી ભીડથી અવ્યવસ્થા ઉભી થઈ શકે છે. જાણકારોનું માનવુ છે કે તપાસનું સ્તર વધશે તો સંક્રમિતોની સંખ્યા પણ વધશે.

(9:55 am IST)