મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

ઝેરી દારૂ પીવાથી જો કોઇનું મોત થયું તો વેચનારાઓને મોતની સજા ફટકારાશે:પંજાબ સરકારનો નવો કાયદો

નકલી અને ઝેરી દારૂ પીવાથી કોઇ વ્યક્તિ અપંગ થાય તો ઓછામાં ઓછી 6 વર્ષની સજા અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ

ગત વર્ષે જુલાઇ-ઓગસ્ટમાં પંજાબમાં ઝેરી દારૂના સેવનથી મોટી સંખ્યામાં લોકોના મોત બાદ કેપ્ટન અમરિંદર સિંહ સરકારે નવો કાયદો લાવી તેના વિરૂદ્ધ કડક સજાની જોગવાઇ કરી છે. પંજાબ વિધાનસભામાં ઝેરી અને નકલી દારૂ વેચવાને લઇને પંજાબ એક્સાઇઝ એમેડમેન્ટ બિલ 2021 પાસ કરવામાં આવ્યુ છે.

રાજ્ય સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલી નવી જોગવાઇ અનુસાર, ઝેરી દારૂ પીવાથી જો કોઇનું મોત થાય છે તો ઝેરી અને નકલી દારૂ વેચનારાઓને મોતની સજા ફટકારવામાં આવી શકે છે. સાથે જ દોષી પર 25 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. જો નકલી અને ઝેરી દારૂ પીવાથી કોઇ વ્યક્તિ અપંગ થઇ જાય છે તો આવા કેસમાં ઓછામાં ઓછી 6 વર્ષની સજા અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ હશે.

પંજાબ એક્સાઇઝ એમેડમેન્ટ બિલ 2021 અનુસાર, નકલી અને ઝેરી દારૂ વેચવા પર જો કોઇને કોઇ નુકસાન નથી થતુ તો પણ આવા વ્યક્તિને 6 મહિનાની સજા અને 250,000 રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે

ગત વર્ષે જુલાઇમાં પંજાબના કેટલાક જિલ્લા (અમૃતસર, ગુરદાસપુર અને તરન તારન)માં ઝેરી દારૂ પીવાને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા, આ કારણે નકલી દારૂ વેચનારાઓ પર અંકુશ લગાવવા માટે પંજાબ કેબિનેટે તેના વિરૂદ્ધ કડક નિયમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ગત વર્ષે જુલાઇ- ઓગસ્ટમાં પંજાબના કેટલાક જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 100થી વધુ લોકોના મોત થયા હતા.

(8:25 pm IST)