મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

OTP નહિ મળવાથી બેન્‍કીંગ - ઇ-કોમર્સ સર્વિસ ટલ્લે : ગ્રાહકો પરેશાન

SMSની સ્‍ક્રબિંગ પોલીસી લાગુ : ફંડ ટ્રાન્‍સફર અટક્‍યા : બેંકોમાં ફરિયાદોનો ધોધ : OTP જેવા જરૂરી SMS મળતા બંધ થતાં મુશ્‍કેલી : થોડા દિવસ OTP - મેસેજ મળવામાં થશે મુશ્‍કેલી : બિનજરૂરી કોલને લઇને સરકારે અપનાવ્‍યું કડક વલણ

નવી દિલ્‍હી તા. ૯ : એસએમએસમાં સ્‍ક્રબિંગ પોલીસી લાગુ થવાથી ગઇકાલથી મોબાઇલ ટ્રાન્‍ઝેકશનમાં મુશ્‍કેલી શરૂ થઇ છે. જેનાથી ઇ-કોમર્સ કંપનીઓ અને બેંકો તરફથી ગ્રાહકોને OTP નથી મોકલી શકાતા. આ કારણે મોટા પ્રમાણમાં વ્‍યવહારો અટકી ગયા છે. ગ્રાહકો સોશ્‍યલ મીડિયા પર બળાપા કાઢી રહ્યા છે. હકીકત એ છે કે ટ્રાઇ તરફથી SMS સાથે જોડાયેલી નવી ગાઇડલાઇન્‍સ લાગુ થઇ છે જેને સ્‍ક્રબિંગ પોલીસી કહે છે. જેમાં દરેક SMS કન્‍ટેન્‍ટને મોકલતા પહેલા વેરીફીકેશન પ્રોસેસથી પસાર થવાનું હોય છે. ગઇકાલથી આનો અમલ શરૂ થયો છે જેથી બીન વેરીફાઇડ અને બીન રજીસ્‍ટર્ડ SMS મોકલી શકાતા નથી. OTP ન મળવાથી ફંડ ટ્રાન્‍સફર થઇ શકતું નથી. બેંકો પાસે ફરિયાદોનો ધોધ વરસ્‍યો છે. ટ્રાઇનું કહેવું છે કે ફ્રોડથી બચવા આ પોલીસી લાગુ થઇ છે.

બિનજરૂરી કોલને લઈને સરકારે કડક વલણ અપનાવ્‍યા બાદ ટેલિકોમ કંપનીઓએ આ માટે નવો નિયમ લાગૂ કર્યો છે. આ કારણે લાખો ગ્રાહકોને ઓટીપી જેવા જરૂરી એસએમએસ મેળવવામાં તકલીફ આવી રહી છે અને આવનારા થોડા દિવસ સુધી આ કાયમ રહેશે. કેટલાક ગ્રાહકોને આધાર ઓટીપી, કોવિન પ્‍લેટફોર્મની મદદથી વેક્‍સીનેશન જેવા જરૂરી કાર્યોને માટે થનારા એસએમએસ મેળવવામાં તકલીફ આવી શકે છે.

ટ્રાઈએ પોતાના ગ્રાહકોને બિનજરૂરી કોલ અને ફેક મેસજની મુશ્‍કેલીથી બચાવવા માટે ટેલીકોમ કંપનીના ગ્રાહકોના રજિસ્‍ટ્રેશન અને માનકીકરણના નવા નિયમ લાગૂ કરવાનું કહ્યું છે. રિલાયન્‍સ જિઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાએ રવિવાર રાતથી તેને લાગૂ કર્યા છે. ટ્રાઈએ નવા માનક ૨૦૧૯થી લાગૂ કરવાનું વિચાર્યું હતું પણ ફિશિંગ એટેક અને બિનજરૂરી કોલના કારણે હવે તેને કડકાઈથી લાગૂ કરવામાં આવી રહ્યા છે.

સોમવારથી અનેક ગ્રાહકોને અનેક જરૂરી મેસેજ મળવામાં મુશ્‍કેલી આવી રહી છે. પણ ટેલિકોમ કંપનીનું કહેવું છે કે આ સમસ્‍યાનું જલ્‍દી સમાધાન આવશે. ટ્રાઈ ઓપરેટરોએ બિનજરૂરી કોલ્‍સ અને મેસેજને રોકવા માટે બ્‍લોક ચેન પ્રોધ્‍યોગિકીનો ઉપયોગ કરવાનું કહ્યું છે. ટ્રાઈએ બિનજરૂરી કોલ્‍સ અને સ્‍પેમની સાથે સંબંધિત નિયમોમાં પણ ૨૦૧૮માં ફેરફાર કર્યા હતા. ટેલી માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંદેશા મોકલવામાં પણ ગ્રાહકોની મંજૂરી અનિવાર્ય કરવાના નવા નિયમોને જોતા આ ફેરફાર કર્યા હતા. નિયામકે દૂરસંચાર ઓપરેટરોને સુનિતિ કરવા કહ્યું કે વ્‍યાવસાયિક સંદેશ ફક્‍ત રજિસ્‍ટર્ડ નંબર પર જ મોકલાય.

સરકારે આ કેસમાં કડકાઈ અપનાવી છે. ગ્રાહકોને અનિચ્‍છનીય કર્મશિયલ કોલ કે એસએમએસ મોકલનારી કંપનીઓ પર દંડની જોગવાઈ કરાઈ છે. એવા એપ વિકસિત કરાયા છે જેની મદદથી ગ્રાહક ટેલિકોમ કંપનીના અનિચ્‍છનીય કોલ, મેસેજ અને દગાખોરીની ફરિયાદ કરી શકશે.

પ્રસાદની વરિષ્ઠ અધિકારીઓ સાથેની મીટિંગમાં કર્મશિયલ કોલની સંખ્‍યા વધારવાની વાત કરાઈ છે. અધિકારીઓએ કહ્યું કે ગ્રાહકો દ્વારા ડુ નોટ ડિસ્‍ટર્બમાં રજિસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ પણ તે નંબરથી તેમને સતત કર્મશિયલ કોલ અને મેસેજ આવતા રહે છે. આવી કંપનીઓ પર પણ કડક કાર્યવાહીના આદેશ આપ્‍યા છે અને દંડની પણ જોગવાઈ કરવા કહ્યું છે. નિયમોના ઉંલ્લંઘન કરાતી કંપનીના કનેક્‍શન કાપી લેવા કહ્યું છે.

(3:41 pm IST)