મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

બળાત્કારના આરોપીને પીડિતા સાથે લગ્ન કરવા કયારેય નથી કહ્યુઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ. સુપ્રીમ કોર્ટ મહિલાઓનું બહુ સન્માન કરે છે. તેણે કયારેય બળાત્કારના આરોપીને પીડિતા સાથે લગ્ન કરવા નથી કહ્યું. સીજેઆઈ બોબડેની આગેવાનીવાળી બેંચે સોમવારે આ ટીપ્પણી કરી હતી.

કોર્ટ બળાત્કાર પીડિતાની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં લગભગ ૨૬ સપ્તાહના ગર્ભને પાડી નાખવાની પરવાનગી માંગવામાં આવી હતી. ઘટના બની ત્યારે પીડિતા ૧૪ વર્ષની હતી. સીજેઆઈએ કહ્યું કે એક અદાલત અને સંસ્થા તરીકે સુપ્રીમ કોર્ટ મહિલાઓનું સર્વોચ્ચ સન્માન છે. સમાચારો અને એકટીવીસ્ટોએ 'શું તમે તેની સાથે લગ્ન કરશો ?' વાળી ટીપ્પણીને સંદર્ભની બહાર જોઈ, જે વિવાદ ઉભો કરવા અને અદાલતની છબી ધૂંધળી કરવા માટે હતુ. કોર્ટે આરોપીને સવાલ પૂછયો હતો, જાવ અને લગ્ન કરો એમ નહોતું કહ્યું. સુપ્રીમે ઉપરોકત ટીપ્પણી ઉપર ખોટા રીપોર્ટીંગ પર નારાજગી વ્યકત કરી હતી. એક વકીલે કહ્યું કે કેટલાક લોકો ન્યાયપાલિકાની છબી ખરાબ કરે છે. તેમની સામે નિપટવા માટે વ્યવસ્થા થવી જોઈએ.

કેસની વિગતો જોઈએ તો બળાત્કારના આરોપી મહારાષ્ટ્રના સરકારી કર્મચારીએ આગોતરા જામીન અરજી રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો. કોર્ટે આરોપીને પૂછયુ હતુ શું તમે પીડિતા સાથે લગ્ન કરવા ઈચ્છો છો ? જો આવુ હોય તો અમે તેના પર વિચાર કરીએ નહીંતર જેલમાં જવુ પડશે. જો કે કોર્ટે આરોપી પર આ અંગે કોઈ દબાણ ન હોવાનું પણ કહ્યુ હતું.

(12:58 pm IST)