મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

જુલાઈમાં આવશે બાળકોની રસી: સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક કરી રહ્યું છે વેક્સિનનું પરીક્ષણ

ડેટા ઉપલબ્ધ થતાં જ કંપનીઓ સરકાર પાસેથી વેક્સિનના ઉપયોગ માટે અરજી કરશે.: અન્ય કંપનીઓ દ્વારા પણ ટ્રાયલ શરૂ

નવી દિલ્હી :: બાળકો માટે કોરોના વેક્સિન ઉનાળાના અંત સુધી આવી શકે છે. આ વેક્સિન બનાવવામાં લાગેલી કંપનીઓએ પરીક્ષણનો શરૂઆતી ડેટા જુન જૂલાઈ સુધી આવવાની ઉમ્મીદ વ્યક્ત કરી છે. માનવામાં આવે છે કે ડેટા ઉપલબ્ધ થતાં જ કંપનીઓ સરકાર પાસેથી વેક્સિનના ઉપયોગ માટે અરજી કરશે પરવાનગી મળતાની સાથે જ બાળકોનું રસીકરણ શરૂ થઈ જશે.

કોવિડ -19 વેક્સિન બનાવનારી બે યુ.એસ કંપનીઓ, ફાઈઝર-બાયોએનટેક અને મોડર્ના, 12 થી 15 વર્ષની વયના બાળકો પર ત્રીજા તબક્કાના પરીક્ષણો ચલાવી રહી છે. બંને કંપનીઓએ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં પરીક્ષણ શરૂ કર્યું હતું. હાલમાં ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનને 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી છે.

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના બાળ ચિકિત્સક ડોક્ટર જેમ્સ ચેમ્પબેલ કહે છે કે 12 થી 15 વર્ષના બાળકોને પસંદ કરવાનું કારણ છે કે તેમનું શરીર આંશિક રૂપે પુખ્ત વયના લોકોનું વર્તન કરે છે.

યુકેમાં એસ્ટ્રાઝેનેકાએ પણ ફેબ્રુઆરીમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે રસીનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને 6થી 17 વર્ષના 300 બાળકોની જરૂરત છે જે સ્વૈચ્છિક વેક્સિન લેવા તૈયાર હોયછે. તેમાંથી 240 કોવિડ -19 ના જ્યારે બાકીના 60 લોકોને મેનિન્જાઇટિસની રસી આપવામાં આવશે.

ઓક્સફર્ડ વેક્સીન ટ્રાયલના મુખ્ય સંશોધક એંડ્રયૂ પોલાર્ડના જણાવ્યા અનુસાર બાળકો પર કોરોના વાયરસની અસર હજી સુધી જોવા મળી નથી, પરંતુ તેમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે વેક્સિનની જરૂરી છે.

જ્હોન્સન એન્ડ જ્હોન્સન એક ડોઝની કોવિડ -19 વેક્સિન છે. હવે તે પણ બાળકો માટે વેક્સિન બનાવવાની દોડમાં સામેલ થઈ છે. કંપની ટૂંક સમયમાં પરીક્ષણ માટે બાળકોની પસંદગી કરવાનું શરૂ કરશે.

ઉનાળાના અંત સુધીમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોવિડ -19 વેક્સિનનો ડોઝ આપવામાં આવી શકે છે. બિડેન સરકારના મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર એંથની ફાઉચીએ તાજેતરમાં જ આ દાવો કર્યો હતો. યુ.એસના મુખ્ય રસી ઉત્પાદકોએ પણ આ વેક્સિન માટે પરીક્ષણ શરૂ કર્યું છે. ફાઉચીએ જણાવ્યું હતું કે ઉનાળાના અંત સુધીમાં, અમે આવી ઓછામાં ઓછી એક રસી પૂરી પાડીશું. હકીકતમાં, બાયડેન સરકાર 100 દિવસની મુદત પૂર્ણ થાય ત્યાં સુધી બાળકો માટે એક વેક્સિન બજારમાં લાવવા માંગે છે જેથી પ્રાથમિક શાળાઓ ફરીથી શરૂ થઈ શકે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે તે બાળકો માટે વેક્સિન ઓક્ટોબર સુધીમાં તૈયાર કરશે. કંપનીના આયાત-નિકાસ નિયામક પીસી નાંબિયારે જણાવ્યું હતું કે બાળકોને તેમના જન્મના એક મહિનામાં આ રસી આપવામાં આવશે. ઉપરાંત કંપની આ વેક્સિનને દવા તરીકે વધુ વિકસિત કરશે, જેથી જો બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય, તો તે તેમને પણ આપી શકાય. બીજી તરફ નિષ્ણાતો માને છે કે ટૂંક સમયમાં ભારત બાયોટેકને 5-18 વર્ષના બાળકો પર કોવેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી પણ આપવામાં આવી શકે છે. નવા પુખ્ત વયના લોકો પર રસીના પ્રભાવ વિશેનો ડેટા 83 ટકાની અસરકારકતા દર્શાવે છે.

(10:48 am IST)