મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર

મુંબઇમાં કોરોનાના કેસમાં ૮૯ ટકાનો ઉછાળોઃ થાણેના ૧૬ હોટસ્પોટમાં લોકડાઉન લદાયું

મુંબઇ, તા.૯: મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરીથી એકવાર ૨૦૨૦ની જેમ જ ૨૦૨૧માં પણ તાંડવ મચાવવાનું શરૂ કરી દીધું છે. મુંબઇમાં કોરોનાના એકટીવા કેસોની સંખ્યામાં ૮૯ ટકાનો વધારો થયો છે. આના લીધે હવે મુંબઇ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સખતાઇ વધારી દેવામાં આવી છે. કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ફરી એક વાર લોકડાઉનના ભણકારા સંભળાવા લાગ્યા છે. મુંબઇના થાણેમાં કોરોનાને કાબુમાં લેવા ફરીથી એક વાર લોકડાઉનને જ હથિયાર બનાવીને થાણેના પ્રશાસને ત્યાંના ૧૬ હોટસ્પોટમાં લોકડાઉન લાગુ કરી દીધું છે.

અધિકારીઓએ જણાવ્યું કે થાણેના ૧૧ હોટસ્પોટમાં ૧૩ માર્ચથી ૩૧ માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. થાણેના કમિશનર દ્વારા બહાર પડાયેલ આદેશમાં કહેવાયું છે કે છેલ્લા કેટલાક દીવસોમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આદેશમાં કહેવાયુ છે કે આ લોકડાઉન બરાબર એવું જ રહેશે જેવું પહેલા અમલમાં હતું. ઉલ્લેખનિય છે કે થાણેમાં કોરોનાના ૭૮૦ નવા કેસ આવતા સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૬૯,૮૪૫ થઇ ગઇ છે. કોરોનાથી વધુ ત્રણ લોકોના મોત થતા જીલ્લામાં મૃતકોની સંખ્યા ૬૩૦૨૫૨ પહોંચી છે. જીલ્લામાં કોરોનાના કારણે મૃત્યુનો દર ૨.૩૪ ટકા છે.

મહારાષ્ટ્રમાં સતત ત્રણ દિવસ સુધી કોરોનાના ૧૦ હજાર નવા કેસ આવ્યા પછી ગઇકાલે ૮૭૪૪ નવા કેસ જાહેર થયા હતા. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આ સાથે જ રાજયમાં કુલ કેસની સંખ્યા વધીને ૨૨,૨૮,૪૭૧ થઇ છે અને આ મહામારીથી મરનારાઓની સંખ્યા ૫૨૫૦૦ પર પહોંચી ગઇ છે. તેમણે કહયું કે રાજયમાં અત્યાર સુધીમાં ૨૦,૭૭,૧૧૨ દર્દીઓ સાજા થઇ ચૂકયા છે અને હજુ પણ ૯૭૬૩૭ લોકો સારવાર હેઠળ છે.

(10:28 am IST)