મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

કોરોનાકાળમાં માલામાલ થઈ વેકસીન બનાવતી કંપનીઓઃ અબજોનો નફો

વિશ્વભરમાં કરોડો લોકો ભલે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય પરંતુ દવા કંપનીઓને જલ્સા પડી ગયાઃ કમાણીમાં અમેરિકાની ફાઈઝર અને મોર્ડના સૌથી આગળ : ફાઈઝર, મોર્ડના, જોન્સન, અસ્ટ્રાજેનેકા, સ્પુટનીક, સિનોવેક, નોવાવેકસ સહિતની કંપનીઓને કરોડો રસીઓના દેશ-વિદેશથી ઓર્ડર મળ્યા છે

વોશિંગ્ટન, તા. ૯ :. કોરોનાકાળમાં વિશ્વભરના કરોડો લોકો ભલે આર્થિક તંગી અને મુશ્કેલીઓના પહાડનો સામનો કરી રહ્યા હોય પરંતુ દવા બનાવતી કંપનીઓને બખ્ખા થઈ ગયા છે. કોરોનાની રસી બનાવીને સૌથી વધુ કમાણી કરનાર કંપનીઓની યાદીમાં અમેરિકાની કંપની ફાઈઝર અને મોર્ડના સૌથી આગળ છે.

ફાઈઝર બાયોએન્ટેકે ગયા વર્ષે ૯.૬ અબજ ડોલરનો નફો કમાયો છે જે આ વર્ષે વધીને ૧૫ અબજ ડોલર થવા અનુમાન છે. મોર્ડનાએ કહ્યુ છે કે ૨૦૨૧માં રસીના વેચાણથી ૧૯ અબજ ડોલર મળશે. બ્રિટીશ કંપની અસ્ટ્રાજેનેકા અને જોન્સને મહામારી સમાપ્ત થવા સુધી કોઈ નફો ન કમાવાની નીતિ અપનાવી છે. આમ છતા આ બન્ને કંપનીઓ ફાયદામાં છે.

દુનિયાભરની રસી બનાવતી કંપનીઓના શેરોમાં ઉછાળો આવ્યો છે. ફાઈઝરના શેર લગભગ ૨ ટકા તો બાયોએન્ટેકના શેર ૧૫૬ ટકા વધ્યા છે. જો રસી વધુ લેવી પડશે તો કંપનીઓને વધુ નફો થશે. મોર્ડનાના શેરમા એક વર્ષમાં ૩૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે.

અસ્ટ્રાજેનેકાએ પોતાના બે ડોઝની કિંમત સાડા ચારથી દસ અમેરિકી ડોલર રાખેલ છે. જોન્સને દસ ડોલર પ્રતિ રસીના ભાવે વેચાણ કરવાનું નક્કી કર્યુ છે. નોવાવેકસે કહ્યુ છે કે અમારી રસીના બન્ને ડોઝની કિંમત આફ્રિકી દેશોમાં ૩ ડોલર રહેશે.

ચીનની કંપની સિનોવેકની રસી સૌથી મોંઘી છે તેનો ભાવ ૬૦ અમેરીકી ડોલર છે. ફાઈઝરે રસીના બન્ને ડોઝ માટે અમેરિકામાં ૩૯ ડોલર અને યુરોપીયન યુનિયનમાં ૩૦ ડોલર નક્કી કરી છે. મોર્ડના રસીના બન્ને ડોઝ માટે અમેરિકામાં ૩૦ ડોલર અને ઈયુમાં ૩૬ ડોલર વસુલે છે.

ફાઈઝરને અત્યાર સુધીમાં ૭૮ કરોડ રસીનો ઓર્ડર મળ્યો છે. જેમાથી ૨૦ કરોડ રસીની ખરીદીનો ઓર્ડર એકલા અમેરિકામાથી તો ઈયુએ ૩૦ કરોડ રસીનો ઓર્ડર આપ્યો છે. મોર્ડનાને ૮૨ કરોડ રસીનો ઓર્ડર મળ્યો છે.

માત્ર એક ડોઝવાળી રસી બનાવનાર જોન્સનને અત્યાર સુધીમાં ૮૩ કરોડ રસીનો ઓર્ડર મળ્યો છે. આમાથી ૩ કરોડનો ઓર્ડર બ્રિટનથી તો ૪૦ કરોડનો ઓર્ડર ઈયુએ આપ્યો છે. અમેરિકાએ ૧૦ કરોડ રસીનો ઓર્ડર આપ્યો છે.

અસ્ટ્રાજેનેકાને ૯૦ કરોડ રસીનો ઓર્ડર મળ્યો છે. જેમાથી બ્રિટને ૧૦ કરોડ, ઈયુએ ૪૦ કરોડ, અમેરિકાએ ૩૦ કરોડ અને જાપાને ૧૨ કરોડનો ઓર્ડર આપ્યો છે. કંપની આ વર્ષે ૧.૯ અબજ ડોલરની રસી વેંચશે.

ચીનની કંપની સિનોવેક આ વર્ષે ૧ અબજથી રસી બનાવશે. કંપની બ્રાઝીલ, ચીલી, સિંગાપોર, મલેશીયા, ફીલીપાઈન્સ, તુર્કી અને ઈન્ડોનેશીયાને રસી મોકલશે.

રૂસની સ્પુટનીકની રસીનો ઓર્ડર ૫૦થી વધુ દેશોએ આપ્યો છે. અમેરિકી કંપની નોવાવેકસને ૩૦ કરોડ રસીનો ઓર્ડર મળ્યો છે.

 

(10:26 am IST)