મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

કાળમુખા કોરોનાને કારણે ૬૩ ટકા લોકો ખર્ચ ઘટાડવા મજબૂર બન્યા

ચોંકાવનારો રીપોર્ટઃ ભારતીય ગ્રાહકોની નાણાકીય સ્થિતિ વૈશ્વિક મુકાબલે વધુ નાજુકઃ મજબૂર કે વિવશ વર્ગમાં સામેલ વૈશ્વિક ગ્રાહકોની સંખ્યા ૪૬ ટકા છે તો ભારતમાં ૬૩ ટકા : મોટાભાગના શહેરી લોકોને આશા નથી કે ૨૦૨૧ના પ્રથમ ૬ માસમાં આવક વધશેઃ ગ્રાહકોએ ખર્ચની ટેવ પણ બદલાવીઃ ખર્ચ ઘટાડવા નવી નવી રીતો લોકો અજમાવી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૯ :. કોરોના સંકટ લાંબુ ખેંચાતા તેની માઠી અસર ભારતીય ગ્રાહકો પર પડી છે. સંકટના કારણે દેશના ૬૩ ટકા ગ્રાહકો પોતાનો ખર્ચ ઘટાડવા મજબુર બન્યા છે. ડેટા એનાલીટીકસ ફર્મ નિલ્સનના રીપોર્ટમાં આવુ જણાવવામાં આવ્યુ છે.

રીપોર્ટ અનુસાર ભારતમાં રહેતા શહેરી લોકો પર કોરોના સંક્રમણ રોકવાને લઈને જારી પ્રતિબંધની અસર હજુ સુધી પડી રહી છે. જેના કારણે ૬૩ ટકા ગ્રાહકોની આવકમાં ઘટાડો થયો છે અને લાચારીમાં પોતાનો ખર્ચ ઘટાડવા મજબુર બન્યા છે.

રીપોર્ટ અનુસાર ભારતીય ગ્રાહકોની નાણાકીય સ્થિતિ વિશ્વના મુકાબલે વધુ નાજુક છે. સર્વેમાં નવા મજબુર કે વિવશ વર્ગમાં સામેલ વૈશ્વિક ગ્રાહકોની સંખ્યા ૪૬ ટકા છે જ્યારે ભારતમાં તે ૬૩ ટકા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ગ્રાહકોની નાણાકીય સ્થિતિ કોરોનાના કારણે વધુ બગડી છે અને તેની અસર ખરીદી અને ખર્ચ પર જોવા મળી છે.

ભારતીય શહેરના લોકોમાથી એક તૃત્યાંશ લોકો ૨૦૨૧ના પ્રથમ ૬ મહિનામાં આવકના વધારાને લઈને આશાવાદી નથી. આવકમાં સુધારાને લઈને નિરાશા ઝડપથી વધી રહી છે.

રીપોર્ટ અનુસાર ૨૦૨૦ના મધ્યથી લઈને ડીસે. ૨૦૨૦ સુધી ગ્રાહકોમાં ખર્ચની ટેવમાં મોટો ફેરફાર થયો છે. સર્વે અનુસાર ૪ પ્રકારના ગ્રાહકોના વ્યવહારની ઓળખ થઈ છે. જેમાં કોરોના પૂ ર્વથી ખર્ચને લઈને સતર્ક રહેતા ગ્રાહકોની આવક વધવા છતા પણ ખર્ચ નહી કરવાવાળા ગ્રાહકો સામેલ છે. અનેક ગ્રાહકોએ ખરીદીની ટેવ પણ બદલાવી છે.

ભારતીય ગ્રાહકો ઘરેલુ ખર્ચને ઘટાડવા માટે વિવિધ પ્રકારની રીતો અજમાવી રહ્યા છે. સર્વે અનુસાર ૪૬ ટકા ગ્રાહકો લોકલ પ્રોડકટ ખરીદી રહ્યા છે તો ૫૦ ટકાની પસંદ લોકલ બ્રાન્ડ છે. સર્વે અનુસાર વૈશ્વિક સ્તર પર ૭૦ ટકા અને ભારતમાં ૮૮ ટકા શહેરી ગ્રાહકો ખર્ચ કરવાને લઈને ડર અનુભવી રહ્યા છે.

(10:24 am IST)