મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા તંત્ર એક્શન મોડમાં : શહેરના ૮ વિસ્તારોમાં હોટલ-રેસ્ટોરન્ટ રોજ સાંજે ૭ વાગે બંધ કરવા આદેશ

ચાની કીટલીઓ અને ખાણીપીણી બજારો પણ બંધ રાખવા આદેશ: નિયમ ભંગ થશે તો સીલ મારવા સહિતની કડક કાર્યવાહી : કોરોના વધુ બેકાબુ બનશે તો વધુ વિસ્તારોમાં પણ નિયમો લાગુ પડશે ચાની કીટલીઓ અંગે આગામી દિવસમાં સમીક્ષા કરાશે

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો થતા શહેરના  ૮ વિસ્તારોમાં અચોક્કસ મુદત સુધી હોટલ-રેસ્ટોરન્ટ રોજ સાંજે ૭ વાગે ફરજિયાત બંધ કરી દેવા તંત્ર દ્વારાનિર્ણય લેવાયો છે સાંજે ૭ વાગ્યા પછી હોટલ કે રેસ્ટોરન્ટ ખુલ્લા જણાશે તો તેમની સામે કાર્યવાહીના ભાગરૂપે સીલ મારી દેવાની કાર્યવાહી કરાશે

 . ઉપરાંત, જે હોટલ-રેસ્ટોરન્ટમાં ૫૦ ટકાની ક્ષમતા કરતા વધુ ગ્રાહકો જણાશે અથવા તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નહીં હોય તેવી હોટલ- રેસ્ટોરન્ટને પણ સીલ મારવાની કાર્યવાહી કરાશે. આ નિર્ણય તમામ હોટેલ-રેસ્ટોરન્ટ ઉપરાંત તમામ ખાણીપીણી બજારો અને ચાની કીટલીઓને લાગુ પડે છે અને સાંજે 7 પછી ખુલ્લા રહેતા આ તમામને પણ બંધ કરાવી દેવામાં આવશે. ચાની કીટલીઓ અંગે આગામી દિવસોમાં સમીક્ષા કરાશે અને જરૂર પડ્યે તો ચાની કીટલીઓને દિવસે પણ ફરજિયાત બંધ રખાવવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. ઉપરાંત કોરોના સંક્રમણ વધશે તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરવા અંગે નિર્ણય લેવાશે. શહેરમાં ફરી કોરોનાના કેસોમાં વધારો થતાં તંત્રે આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતાં કોર્પોરેશનનું તંત્ર દ્વારા પાલડી, મણીનગર નારણપુરા ,નવરંગપુરા, થલતેજ બોડકદેવ ,જોધપુર અને એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વુમન્સ ડે ના કારણે ખાણીપીણી બજારમાં ભીડ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સ ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. અને નિર્ધારિત સમય કરતા પહેલા જ હોટેલ અને રેસ્ટોરેન્ટને બંધ કરવી હતી.

અમદાવાદ શહેરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે શહેરના પાલડી, નવરંગપુરા, નારણપુરા, મણીનગર, ગોતા, જોધપુર, થલતેજ અને સમગ્ર એસજી હાઈવે પર રોજ સાંજે ૭ વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત બંધ કરાવી દેવાનું નક્કી કરાયું છે. આ માટે હોટલ, રેસ્ટોરન્ટને જાણ કરી દેવામાં આવી છે. ઉપરાંત, ચાની કીટલીઓ પણ સાંજે બંધ કરવા માટે સૂચના અપાઈ છે. આમ, શહેરમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાના પગલે સાંજે ૭ વાગ્યાથી અચોક્કસ મુદત માટે હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. આ દરમિયાન જો શહેરના અન્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધશે તો અન્ય વિસ્તારોમાં પણ હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવશે. 

   અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 129 નવા કેસ સામે આવ્યા છે. જયારે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. જે સાથે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 63,713 થયો છે. જ્યારે 60,665 દર્દી સ્વસ્થ્ય થયા છે.

 કોર્પોરેશન દ્વારા ૭ વાગ્યા પછી ચકાસણી પણ હાથ ધરાશે અને જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ ખુલ્લા જણાશે તો તેની સામે કાર્યવાહીના ભાગરૂપે સીલ મારી અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવશે. શહેરની ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ પોતાની ક્ષમતાના ૫૦ ટકા કરતા વધુ ગ્રાહકોને પ્રવેશ આપતી હોવાની વિગતો પણ સામે આવી છે. ઉપરાંત ઘણી હોટલ-રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. જેથી આવી હોટલોને પણ સીલ મારી અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવશે. હાલમાં ચાની કીટલીઓ અને ખાણીપીણી બજારો પણ સાંજે બંધ કરી દેવાની સુચના છે. પરંતુ આગામી દિવસોમાં તેની સમીક્ષા કરાશે અને જરૂર જણાશે તો દિવસે પણ ચાની કીટલીઓ બંધ કરવા માટેનો નિર્ણય લેવાઈ શકે છે.

(12:00 am IST)