મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

કોઇની અંગત તસ્વીરો વાયરલ કરવી એ રેપ સમાન

પ. બંગાળની એક કોર્ટનો મહત્વનો ચુકાદોઃ 'રિવેન્જ પોર્ન'ના કેસમાં એક છાત્રને દોષિત ઠેરવી ૫ વર્ષની સજા - દંડ ફટકારાયા : બદલો લેવા માટે ગર્લફ્રેન્ડની તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાનું છાત્રને મોંઘુ પડયું: કોર્ટે તસ્વીર વાયરલ થવાને વર્ચુઅલ રેપ ગણ્યોઃ પીડિતાને રેપ પીડિતા ગણીઃ માત્ર ૨ માસમાં જ કોર્ટનો ફેંસલો

કોલકત્તા તા. ૯ : કોઇ છોકરીના વ્યકિતગત - અંગત ફોટા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કરવા એ રેપની બરાબર છે. અને વર્ચુઅલ રેપનો કેસ ગણવામાં આવશે તેમ પશ્ચિમ બંગાળમાં એક કોર્ટે રિવેન્જ પોર્ન (બદલો લેવા માટે કોઇની અશ્લીલ તસ્વીરો વાયરલ કરવા)ના મામલામાં સુનાવણી દરમિયાન ફેંસલો સંભળાવતા આ મુજબ કહ્યું હતું.

પૂર્વ મિદનાપુરના આ મામલામાં એન્જીનિયરીંગના તૃતિય વર્ષના છાત્રને દોષિત ઠેરવતા ૫ વર્ષની કેદની સજા સંભળાવી હતી. કોર્ટે આની સાથોસાથ દોષિતને રૃા. ૯૦૦૦નો દંડ પણ ફટકાર્યો હતો. દોષિતે જે છોકરીની તસ્વીરો વાયરલ કરી હતી જજે તેને સુનાવણી દરમિયાન રેપ પીડિત ગણી છે. સૌથી મહત્વની વાત એ છે કે, કોર્ટે આ કેસનો માત્ર બે મહિનાની અંદર જ ફેંસલો સંભળાવી દીધો હતો. પોર્ન રિવેન્જના આ મામલામાં બીટેકના છાત્રની ઇન્ટરનેટ પર એક છોકરી સાથે મુલાકાત થઇ હતી. સોશ્યલ મીડિયા થકી તે ૩ વર્ષ સુધી તેની મિત્ર રહી હતી. બાદમાં છાત્રએ છોકરીનો વિશ્વાસ કેળવી તેની અંગત તસ્વીરો માંગી હતી. છોકરીએ તેની વાતમાં આવી જઇને ફોટા મોકલી દીધા હતા. છાત્ર પછી તેની સાથે શારીરિક સંબંધ બનાવવા દબાણ કરવા લાગ્યો હતો. છોકરીએ વિરોધ કર્યો તો બદલો લેવા અને હેરાન કરવા માટે છોકરાએ તેની અંગત તસ્વીરો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી દીધી હતી.

કોર્ટનું આ બારામાં કહેવું હતું કે, ખાનગી તસ્વીરો વાયરલ થવી એ છોકરી સાથે વર્ચુઅલ રેપ થવા જેવું છે. પોલીસે તપાસ કરી ૪૨ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. ૫૦ દિવસ પૂરા થવા પર આરોપી બી-ટેક છાત્ર પર અપરાધની કલમો નક્કી કરવામાં આવી અને ઠીક બે મહિના પૂરા થતા જ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો હતો.

નિષ્ણાંતો અને જાણકારોનું આ બારામાં કહેવું છે કે, આ દેશની ન્યાય વ્યવસ્થામાં સૌથી ઝડપી આવેલા ફેંસલા પૈકીનો એક છે.(૨૧.૧૨)

(12:26 pm IST)