મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

ભારત અને ચીન વચ્‍ચેના સંબંધો ઉપર નવો અધ્યાય શરૂ થવાના અેંધાણઃ ભારત સાથેના સંબંધોમાં સંરક્ષણ ઉપર વધુ ભાર

બેઇજીંગઃ ચીન અને ભારત વચ્ચેના સંબંધો પર નવો અધ્યાય લખાવા જઈ રહ્યો હોય તેવા એંધાણ મળી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યિએ કહ્યું કે, ચીની ડ્રેગન અને ભારતીય હાથીએ એકબીજાની સાથે લડવાની જગ્યાએ એકબીજાની સાથે રહેવું જોઈએ. તેમનો ઈશારો ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી બગડી ગયેલા સંબંધોને હળવા કરવા માટે હતો. વાંગે સંસદમાં કહ્યું કે,બંને દેશોએ પોતાના માનસિક અવરોધોને છોડી, જે મતભેદો પર વિવાદ છે તેને દ્વીપક્ષીય વાતચીત કરી સંબંધોને મધુર બનાવવા જોઇએ અને બંને દેશો વચ્ચે મૈત્રી સ્થાપવી જોઇએ.

2017માં શરૂ થયેલા ડોકલામ વિવાદ પર ભારત અને ચીનના તણાવપૂર્ણ સંબંધો અંગે વાંગે હળવાશથી કહ્યું કે, કેટલીક પરીક્ષો અને તકલીફો વચ્ચે પણ બંને દેશના સંબંધો સારા થઈ રહ્યા છે.

ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર, જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના મામલે ભારતના પ્રયત્નો પર ચીન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પર બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. જે પછી 73 દિવસ સુધી ભારત અને ચીન સેના વચ્ચે ઘર્ષણ ચાલ્યું હતું. જેનાપર વાંગે કહ્યું કે, બંને દેશોએ પોતાની માનસિકતાં છોડીને મતભેદોને દૂર કરવા જોઇએ.

વિદેશ મંત્રીએ સાથે જ કહ્યું કે, ચીન પોતાના અધિકારોને ધ્યાનમાં રાખીને ભારત સાથેના સંબંધોના સંરક્ષણ પર વધુ ભાર આપી રહ્યું છે. 

તેમજ બંને દેશના નેતાઓએ અમારાં સંબંધોના ભવિષ્ય માટે રણનીતિ તૈયાર કરી છે. ચીની ડ્રેગન અને ભારતીય હાથીએ એકબીજાની સાથે લડવું ન જોઈએ પરંતુ એકસાથે મળીને ચાલવું જોઈએ. જો ચીન અને ભારત ભેગા થઈ જાય તો એક અને એક બેના બદલે એક અને એક અગિયાર થઈ શકે છે.

ભારત સાથેના સંબંધો પર આ વર્ષે પ્રથમ વખત દ્વિપક્ષીય વાતચીત કરતાં વિદેશ મંત્રીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં સદીના સૌથી મોટા ફેરફાર થઈ રહ્યા છે ત્યારે ભારત અને ચીને એકબીજાને પ્રોત્સાહિત કરવા અને એકબીજાને સમર્થન આપવું જોઇએ તેમજ પરસ્પર રહેલા વિવાદોને ઓછાં કરવા જોઇએ. આ સાથે જ વાંગે કહ્યું કે, બંને દેશોના સંબંધોને કોઇ પણ સ્થિતિમાં હલાવી શકાય નહીં તેમજ હિમાલય પણ બંને દેશ વચ્ચેની મિત્રતાના સંબંધોને અટકાવી શકશે નહીં.

જ્યારે વાંગને ભારત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના હિન્દ-પ્રશાંત રણનીતિથી શું ચીનના બેલ્ટ એન્ડ રોડ કાર્યક્રમને કોઈ અસર થશે કે નહીં તે અંગે તેમણે કહ્યું કે, આ એક સમુદ્રના મોજાં જેવું છે જે ધ્યાનતો આકર્ષિત કરે છે પરંતુ જલ્દી જ શાંત પણ થઈ જાય છે. જેના પર ધ્યાન આપવાની જરૂર નથી.

(7:51 pm IST)