મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

દેશની સુરક્ષા માટે ખતરો કઈ રીતે : મેહુલ ચોક્સીનો સવાલ

કાર્ડિયેક ઓપરેશન હાલમાં જ થયું છે : મેહુલ : તપાસમાં સામેલ થવાની સ્થિતિમાં હાલમાં નથી : મેહુલ

નવી દિલ્હી,તા. ૮ : ગીતાંજલિ જેમ્સના પ્રમોટર અને પીએનબી ફ્રોડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ આજે સીબીઆઈને પત્ર લખીને કરોડોના કૌભાંડમાં ચાલી રહેલી તપાસમાં સામેલ થવાને લઇને અસમર્થતા દર્શાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમને આરોગ્યને લઇને ઘણી તકલીફો રહેલી છે. ફેબ્રુઆરી ૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં કાર્ડિયેક સર્જરી તેમના ઉપર કરવામાં આવી ચુકી છે. તેઓ પ્રવાસ કરવાની સ્થિતિમાં નથી. જો કે, મેહુલ ચોક્સીએ હાલમાં ક્યા છે તે અંગે કોઇપણ પ્રકારની માહિતી આપી ન હતી. ચોક્સીએ ઉમેર્યું હતું કે, હાલમાં તેઓ પેન્ડિંગ રહેલા કામોને પરિપૂર્ણ કરી રહ્યા છે. તેમના પાસપોર્ટને સસ્પેન્ડ કરવા બદલ અધિકારીઓ ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આરટીઓ મુંબઈ દ્વારા તેમના પાસપોર્ટને કેમ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે તે અંગે કોઇ ખુલાસા કર્યા નથી.

ભારતમાં તેમની સામે સુરક્ષા ખતરો કઇરીતે છે તેની પણ વાત કરી નથી. ૧૬મી ફેબ્રુઆરીના દિવસે વિદેશ મંત્રાલય દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સીના પાસપોર્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કાર્ડિયેક ઓપરેશન થયું હોવાની વાત કરીને મેહુલે કહ્યું હતું કે, તેઓ હાલમાં યાત્રા કરવાની સ્થિતિમાં નથી. પોતાના પત્રમાં ચોક્સીએ કહ્યું છે કે, તેમના મામલામાં ચાલી રહેલી તપાસ આશ્ચર્યજનક છે. પીએનબી ફ્રોડનો મામલો સપાટી ઉપર આવ્યા બાદથી તેમની સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમની જુદી જુદી પ્રોપર્ટી પર દરોડા પાડવામાં આવ્યા છે. જંગી સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. દરોડા દરમિયાન અનેક પ્રોપર્ટી કરોડોમાં હોવાની વાત પણ ખુલી ચુકી છે. આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થવાની પણ શક્યતા દેખાઈ રહી છે.

(8:05 pm IST)