મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

અમેરીકામાં તોફાન : ૭ના મોત : આજે વાવાઝોડાની આગાહી

એક અઠવાડીયામાં બીજી વખત તોફાન : ન્યુયોર્કમાં ૧ ફૂટના બરફની ચાદર ઓઢી લીધી :પેન્સિલ્વેનિયા, ન્યુજર્સીમાં ૧૪ ઈંચથી વધુ બરફ પડ્યો : ૨૭૦૦થી વધુ ફલાઈટ કેન્સલ

ન્યુયોર્ક, તા. ૮ : અમેરિકાના ઇસ્ટ કોસ્ટમાં એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વાર બુધવારે બરફવર્ષા અને વાવાઝોડાંએ દસ્તક દીધી છે. વાવાઝોડાના કારણે ૭ના મોત થયા છે. વાવાઝોડાંના કારણે ૨,૭૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જયારે ગયા અઠવાડીયે ૫૦૦૦થી વધુ ફલાઈટ કેન્સલ થઈ હતી. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સિટી સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંદાજિત ૬ કરોડ લોકો પ્રભાવિત થયા છે.

રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે. નેશનલ વેધર સર્વિસે આજે ગુરૂવારે વાવાઝોડાંની આગાહી જાહેર કરી છે. વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સિટીમાં ૧૪ ઇંચથી વધારે બરફ પડ્યો હતો. આજે પણ અહીં ભારે બરફવર્ષા થવાની આગાહી છે.

રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્ક સિટીમાં ૮થી ૧૨ ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, નેવાર્ક અને ન્યૂજર્સી એરપોર્ટ પર ૨૭,૦૦થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. અમેરીકાના પૂર્વ તટ વિસ્તારમાં ૩ માર્ચ બાદ બીજીવાર આવેલ વાવાઝોડાથી વર્જીનીયા, ન્યુયોર્ક, મેરીલેન્ડ, પેન્સીલવેનીયા અને કનેકિટકટમાં ૭ લોકોના મોત થયા છે.

(9:16 pm IST)