મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

આંધ્ર : ટીડીપી સરકારથી બે ભાજપા પ્રધાનના રાજીનામા

નાયડુની પાર્ટી એનડીએમાંથી બહાર નિકળી ગઇ : આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી ટીડીપીની ભાજપ સરકારે ફગાવી દેતા છેડો ફાડવા નિર્ણય

હૈદરાબાદ,તા. ૮ : આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે ભાજપ અને ટીડીપી વચ્ચે જારી ખેંચતાણ વચ્ચે રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુએ બુધવારના દિવસે એનડીએ સાથે છેડો ફાડી લેવાની જાહેરાત કર્યા બાદ હવે ભાજપે પણ નાયડુ સરકારમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશમાં ભાજપના ક્વોટાના બે પ્રધાનોએ આજે રાજીનામા આપી દીધા હતા. અમરાવતીમાં મુખ્યપ્રધાન કચેરી પહોંચીને ભાજપના ક્વોટાના બે પ્રધાનોએ આંધ્રપ્રદેશ કેબિનેટમાંથી રાજીનામા આપી દીધા છે. નાયડુ સરકારમાંથી બહાર નિકળી જવાની જાહેરાત કરીને બન્ને પ્રધાનોએ તેમના રાજીનામા સોંપી દીધા હતા. આ પહેલા આંધ્રપ્રદેશમાં ભાજપના એમએલસી પીવીએન માધવે કહ્યુ હતુ કે ટીડીપી કેબિનેટમાંથી અમારા પ્રધાનો બહાર નિકળી ચુક્યા છે. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર રાજ્યને તમામ મદદ કરી રહી છે પરંતુ બિનજરૂરી માંગ સ્વકારવામાં આવનાર નથી. ીજી બાજુ કેન્દ્રમાં ટીડીપી ક્વોટાના પ્રધાન લાએસ ચોધરીએ કહ્યુ હતુ કે આ પગલુ યોગ્ય નથી પરંતુ કમનસીબે અમને પગલુ લેવાની ફરજ પડી રહી છે. બુધવારે રાત્રે નાયડુએ એનડીએ સાથે છેડો ફાડી લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી જ રાજકીય ગરમી વધી ગઇ છે.

ચન્દ્રૂબાબુ નાયડુએ કહ્યુ હતુ કે આ અમારો અધિકાર છે. કેન્દ્ર સરકારે અમને આપવામાં આવેલા વચનો પાળ્યા નથી. અમે બજેટના દિવસથી આ મુદ્દાને ઉઠાવી રહ્યા છીએ. સરકાર તરફથી આ સંબંધમાં કોઇ જવાબ મળી રહ્યા ન હતા. નાયડુએ કહ્યુ હતુ કે છેલ્લા ચાર વર્ષથી ધીરજ રાખી રહ્યા હતા. કેન્દ્ર સરકારને મનાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા.

(12:56 pm IST)