મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

હે રામ...

કેરળઃમહાત્મા ગાંધીના ચશ્મા અને મૂર્તિ ખંડિત કરાઇ

કોચી, તા.૮ : દેશમાં એક પછી એક મહાનુભવોની મૂર્તિઓ તોડવાનો સિલસિલો ચાલુ છે. હદ તો ત્યારે થઇ ગઇ આજે જયારે કેરળમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિને ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે. કેરળના કન્નુરના થાલિપરંબા વિસ્તારમાં કેટલાંક અજાણ્યા શખ્સોએ ગાંધી મૂર્તિના ચશ્માને તોડ્યા બાદ મૂર્તિને ખંડિત કરી અસામાજિક તત્વો ભાગી ગયા છે. સ્થાનિક પોલીસ આ કેસમાં તપાસ કરી રહ્યું છે.

મહાત્મા ગાંધીની મૂર્તિ સિવાય તામિલનાડુના થિરૂવોત્રિયૂર પિરયાર નગરમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર કલર ફેંકાયો છે. આની પહેલાં બુધવારના રોજ મેરઠમાં બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં ભાજપની પ્રચંડ જીત બાદ કેટલીય જગ્યાએ હિંસાની વાત સામે આવી હતી. આ દરમિયાન ત્રિપુરામાં બે જગ્યાએ લેનિની મૂર્તિ તોડવામાં આવી હતી. ત્યારબાદ તામિલનાડુમાં પેરિયાર, પશ્ચિમ બંગાળમાં શ્યામા પ્રસાદ મુખર્જી અને ઉત્તર પ્રદેશના મેરઠમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ તોડ્યાનો મામલો સામે આવ્યો હતો.

હિંસા દરમ્યાન ત્રિપુરામાં લેનિન, તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ તૂટ્યાની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યકત કરી છે. બુધવારના રોજ માહિતી મળી હતી કે, પીએમ મોદી આ પ્રકારની ઘટનાઓથી ખૂબ જ દુખી છે. વડાપ્રધાન સિવાય ગૃહ મંત્રાલયે પણ આ કેસમાં કડકાઇ વ્યકત કરી છે. ગૃહમંત્રાલયની તરફથી તમામ રાજયોને આ પ્રકારના મામલામાં આકરા પગલાં લેવાની વાત કહી છે. આ મુદ્દામાં નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી સાથે પણ વાત કરી છે.

(12:55 pm IST)