મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

લગ્નમાં ત્રીજો પક્ષ (ખાપ) દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

ધમકાવી ન શકે અથવા તેમની સામે હિંસાચાર કરી ન શકે

નવી દિલ્હી તા. ૮ : સમાજના કોઈ પણ વર્ગમાંથી આવનારી બે વયસ્ક વ્યકિત જયારે સંમતિથી લગ્ન કરતી હોય ત્યારે કોઈ પણ સંબંધી કે ત્રીજી વ્યકિત તેમાં દખલ ન દઈ શકે, તેમને ધમકાવી ન શકે અથવા તેમની સામે હિંસાચાર કરી ન શકે, એમ સર્વોચ્ચ અદાલતે ખાપ પંચાયત સંબંધી એક કેસમાં બુધવારે જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે પણ ટોચની અદાલતને એમ જણાવ્યું હતું કે, 'આંતરજાતીય કે આંતરધર્મીય લગ્ન કરનારા દંપતીઓને જો તેમનો જીવ જોખમમાં હોવાનું જણાતું હોય તો રાજય સરકારોએ તેમને રક્ષણ પૂરું પાડવું જોઈએ અને આ પ્રકારે લગ્ન કરનાર દંપતીઓએ લગ્ન અંગેની જાણકારી આપવી જોઈએ જેથી તેમનું રક્ષણ થઈ શકે.'

સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે એમ જણાવ્યું હતું કે, 'એનજીઓ શકિત વાહિનીએ ફાઈલ કરેલી અરજી અંગેનો વિગતવાર ચુકાદો જાહેર કરવામાં આવશે. શકિત વાહિનીએ ર૦૧૦માં જ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક સાધીને 'ઓનર કીલિંગ'નો ભોગ બનનારાને સંરક્ષણ આપવાનું જણાવ્યું હતું.' ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય. ચંદ્રચુડના સમાવેશ સાથેની ખંડપીઠે આ આદેશ જારી કરવાનું જણાવ્યું છે.

(10:04 am IST)