મુખ્ય સમાચાર
News of Thursday, 9th February 2023

દેશના સૌથી સ્‍વચ્‍છ શહેર ઈન્‍દોરમાં ‘દુનિયાની સૌથી મોંઘી દુકાન' ખુલી

દુકાનમાં પ્રસાદ સૌથી સસ્‍તાં

ઈન્‍દોર,તા.૯: ઈન્‍દોરના વિશ્વ પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિરમાં એક નવી દુકાન ખુલી છે. તેના પર ‘દુનિયાની સૌથી મોંઘી દુકાન'નું ટેગ લગાવવામાં આવ્‍યું છે. એક ગણેશ ભક્‍તે શ્રી અષ્ટ વિનાયકના નામથી આ દુકાન ખોલી છે. દુકાનનું બોર્ડ વાંચીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મોટા રિયલ એસ્‍ટેટ બિઝનેસમેન પણ લાડુ પ્રસાદની દુકાનની હરાજી કિંમત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

દેશના સૌથી સ્‍વચ્‍છ શહેર ઈન્‍દોરમાં ‘દુનિયાની સૌથી મોંઘી દુકાન' ખુલી છે. હા, તમને વિશ્વાસ નહિ થાય પણ આ સત્‍ય છે. જો તમે પણ ‘વિશ્વની સૌથી મોંઘી દુકાન' જોવા માંગતા હોવ તો તમારે ઈન્‍દોરના વિશ્વ પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિરની મુલાકાત લેવી જોઈએ.

અહીં તમે આ દુકાન પરનું બોર્ડ વાંચીને એક વાર ચોક્કસથી ચોંકી જશો. તેના પર લખ્‍યું છે ‘દુનિયાની સૌથી મોંઘી દુકાનના લાડુ'. જેના કારણે આ દુકાનની ચર્ચા થઈ રહી છે. આ પ્રસાદની દુકાન ખજરાના ગણેશ મંદિર પરિસરમાં ખુલ્લી છે.

મિની બોમ્‍બે તરીકે ઓળખાતું ઈન્‍દોર ધીમે ધીમે આઈટી હબ બની રહ્યું છે. મોટી કંપનીઓ અહીં રોકાણ કરી રહી છે. આ જ કારણ છે કે, અહીં જમીનના ભાવ આસમાને છે. ખજરાના ગણેશ મંદિર પરિસરમાં સ્‍થાપિત લાડુ પ્રસાદની દુકાનની હરાજી કિંમત સાંભળીને મોટા રિયલ એસ્‍ટેટ ઉદ્યોગપતિઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

૭૦ ચોરસ ફૂટની આ દુકાનની કિંમત એક કરોડ ૭૨ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. દુકાનના માલિક દીપક રાઠોડે જણાવ્‍યું કે, અમને આ દુકાન ભગવાન શ્રી ગણેશના કૃપાથી મળી છે.

ઈન્‍દોર ડેવલપમેન્‍ટ ઓથોરિટીએ આ દુકાન માટે ટેન્‍ડર બહાર પાડ્‍યું હતું. હરાજીની જાહેરાતમાં આ દુકાનની ઓફસેટ કિંમત ૩૦ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આમાં સાત ટેન્‍ડર આવ્‍યા હતા, જેમાં અમે ૧ કરોડ ૭૨ લાખથી વધુની બોલી લગાવી અને અમને આ દુકાન મળી તે પછી જે થયું તે પોતાનામાં જ એક રેકોર્ડ બની ગયું છે.

૭૦ ચોરસ ફૂટમાં ફેલાયેલી, રાઠોડે આ દુકાનનું નામ શ્રી અષ્ટવિનાયક રાખ્‍યું છે, જે તેને પ્રથમ પૂજા ભગવાન ખજરાના ગણેશને સમર્પિત કરે છે. દુકાન ખુલતાની સાથે જ અહીં ભક્‍તોની ભીડ જામી રહી છે. આ સાથે લોકો દુનિયાની સૌથી મોંઘી દુકાનની સામે ઘણી બધી તસવીરો પણ ખેંચી રહ્યા છે.

શોપ ઓપરેટર દીપક રાઠોડે જણાવ્‍યું કે, તે તેના નાના ભાઈ દેવેન્‍દ્ર રાઠોડ સાથે ઘણા વર્ષોથી ગણેશ મંદિર પરિસરમાં લાડુ પ્રસાદ વેચે છે. એટલા માટે અમે કોઈપણ ભોગે ખજરાના ગણેશ મંદિર પરિસરમાં દુકાન રાખવા ઈચ્‍છતા હતા. એટલા માટે અમે આટલી મોટી બોલી લગાવી હતી.

મોંઘી દુકાન હોવા છતાં અહીં સામાન્‍ય કરતા ઓછા ભાવે પ્રસાદ મળે છે. અહીં બૂંદીના લાડુ ૩૬૦ રૂપિયા પ્રતિ કિલો, શાહી મોદક ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો, બેસનના લાડુ ૩૬૦ રૂપિયા પ્રતિ કિલો, ડ્રાય ફ્રુટ્‍સ લાડુ ૭૦૦ રૂપિયા પ્રતિ કિલો અને સુગર ફ્રી લાડુ ૬૦૦ રૂપિયા પ્રતિ કિલો છે.

(11:34 am IST)