મુખ્ય સમાચાર
News of Thursday, 9th January 2020

ટ્રમ્પને ઇરાન સાથે યુદ્ધ છેડતા રોકવા માટે અમેરિકી સંસદમાં આજે મતદાન

સતત વધતા જતા તણાવ વચ્ચે સ્પીકર નેન્સી પેલોસીએ જાણકારી આપી

વોશિંગ્ટન, તા. ૯ : અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની આશંકા સતત વધી રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઇરાન સામે યુદ્ધ કરતા રોકવા માટે આજે યુએસ સંસદમાં વોટીંગ થશે. ઉલ્લેખનીય છે કે અમેરિકન સેનાએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી ઇરાનના ટોચના સૈન્ય કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને માર્યો હતો. સુલેમાની માર્યા ગયા બાદ ઇરાને તહેરાનની મસ્જિદ ઉપર લાલ ઝંડો લહેરાવીને યુદ્ધનું એલાન કર્યું હતું અને અમેરિકન સૈન્ય બેઝ ઉપર મિસાઇલ અને રોકટેથી હુમલો કર્યો હતો.

ઇરાને ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દૂતાવાસને નિશાન બનાવીને મિસાઇલ છોડી હતી. યુએસ અર્મી બેઝ પર પણ હુમલો કર્યો હતો, જેમાં ૮૦ અમેરિકન સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો પણ કરાયો હતો.

ઇરાનના આ પગલા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને ઇરાન ઉપર અંકુશ લગાવવા માટે રશિયા, ચીન, ફ્રાન્સ વગેરે દેશોનો સહયોગ માગ્યો હતો. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન આજે ટ્રમ્પને ઇરાન સાથે યુદ્ધ છેડતા રોકવા માટે અમેરિકન સંસદમાં મતદાન યોજાશે.

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીના જણાવ્યા અનુસાર આજે મતદાન યોજાશે. અમેરિકન સંસદમાં ઇરાન સાથે યુદ્ધના મુદ્દે મતદાન એવા સમયે થઇ રહ્યું છે, જયારે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન સેનાની કાર્યવાહીમાં ટોચના સૈન્ય કમાન્ડરના મોત બાદ ઇરાને અમેરિકન સેનાની કાર્યવાહીમાં ટોચના સૈન્ય કમાન્ડરના મોત બાદ ઇરાને અમેરિકા સામે બદલો લેવાનું એલાન કર્યું હતું.

(4:00 pm IST)