મુખ્ય સમાચાર
News of Thursday, 9th January 2020

વેપારીઓને વધુ પરેશાનીઃ ર૦૧૭-૧૮નું જીએસટી ઓડીટ થશેઃ નોટીસો ફટકારી

જીએસટીની વિગતો-ઇન્કમટેક્ષ રેકોર્ડ સહિત કુલ ૧ર દસ્તાવેજો માંગ્યાઃ જીએસટી બરાબર ભર્યો છે કે કેમ તથા ક્રેડીટ કલેમ સાચો કર્યો છે કે કેમ? તેની ચકાસણી થશે

નવી દિલ્હી, તા., ૯: ૮ જાન્યુઆરીથી સરકારે ર૦૧૮ માટે જીએસટી ઓડીટનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યુ છે. સીએબીસી ટીવી-૧૮ના રી,પોર્ટ અનુસાર , કેન્દ્રીય જીએસટી વિંગે લગભગ ૧ર જેટલા દસ્તાવેજો રજુ કરવા માટેની નોટીસો કરદાતાઓને મોકલી છે. જેમાં બીઝનેસ એગ્રીમેન્ટ ઓફ પરચેઝ એન્ડ સેલ્સ, જીએસટી, આવકવેરો, ઇન્પુટ સર્વિસ ઇનવોઇસીસ, ઇલેકટ્રોનીક કેશ ક્રેડીટ લેજર વગેરે સામેલ છે. ક્રેડીટ કલેઇમ અને ટેક્ષ બરાબર ચુકવ્યો છે કે નહી તેની તપાસ થશે.

દરમ્યાન જીએસટીનું રેવન્યુ કલેકશન સતત બીજા મહીને એક લાખ કરોડથી વધારે રહયું હતું. ડીસેમ્બર મહિનામાં તે વધીને ૧.૦૩ લાખ કરોડ થયું હતું. સરકારે ર૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ માટેનું લક્ષ્ય ૧ર લાખ કરોડ રાખ્યુ છે. જેને હાંસલ કરવા માટે મહિને એક લાખ કરોડની સરેરાશ જરૂરી છે.

સુત્રો અનુસાર આ ઓડીટ અભિયાન રાષ્ટ્રભરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમ્યાન ચલાવવામાં આવશે. ત્યાર પછી તેનો વિગતવાર રીપોર્ટ જેમાં કર ચોરો, બોગસ રિફંડ અને ક્રેડીટ માંગનારાઓની માહીતી હશે તે સરકારને રજુ કરવામાં આવશે.

જીએસટી વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટીસ લગભગ ૧૨ જેટલા દસ્તાવેજો સાથે જીએસટી વિભાગના અધિકારી સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.

આ અંગે કરદાતાઓનું માનવું છે કે આ કવાયતથી હેરાનગતી વધી જશે. હજુ એ સ્પષ્ટતા નથી થઇ કે ઓડીટ કયારે અને કેવી રીતે થશે.

(10:57 am IST)