મુખ્ય સમાચાર
News of Thursday, 8th December 2022

કોંગ્રેસના ઇતિહાસમાં અત્‍યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન

કોંગ્રેસને ૧૯૯૦ કરતા પણ મોટો ઝટકો

નવી દિલ્‍હી તા. ૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીના ૧૮૨ બેઠકોના વલણ સામે આવ્‍યા છે.  જેમાં ભાજપ ૧૫૩, કોંગ્રેસ ૨૦, AAP ૬ અને ૩ બેઠકો પર અન્‍ય આગળ ચાલી રહ્યું છે.  ગુજરાતની અનેક બેઠક પર અણધાર્યા પરિણામો આવી રહ્યા છે અને હાલનું વલણ જોતાં લાગી રહ્યું છે છે ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે. આ સાથે જ કોંગ્રેસ માટે અનેક સીટ પરથી માઠા સમાચાર આવી રહ્યા છે.

ગુજરાતમાં ૧૯૬૦થી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે પણ અત્‍યાર સુધીના ચૂંટણી ઈતિહાસમાં કોંગ્રેસે આટલું ખરાબ પ્રદર્શન આજ સુધી નથી કર્યું. હાલનું વલણ જોતાં લાગી રહ્યું છે કે રાજયની ૧૮૨ બેઠકોમાંથી ભાજપ ૧૫૦થી વધુ બેઠકો પર આગળ છે, જયારે કોંગ્રેસ માત્ર ૧૮થી ૨૦ બેઠક આવી શકે છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ ક્‍યારેય ગુજરાત પર તેની પકડ જમાવી શકી નથી પણ એક વિપક્ષ તરીકે હંમેશા ભાજપને ટક્કર આપતી આવી છે.

અત્‍યાર સુધીના ગુજરાત પર કોંગ્રેસના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ ૧૯૯૦માં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્‍યું હતું એ સમયની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ૩૩ સીટો જીતવામાં સફળ રહી હતી. એ બાદ કોંગ્રેસને ૨૦૦૨માં ૫૦ બેઠકો મળી હતી તો વર્ષ ૨૦૦૭માં તેને ૫૯ બેઠકો મળી હતી. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીની વાત કરી તો પાર્ટીએ ૭૭ બેઠકો જીતીને ભાજપને ટક્કર આપી. પણ હાલની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્‍યો છે. કોંગ્રેસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૯૮૫માં ગુજરાતમાં હતું અને એ સમયે પાર્ટીને ૧૪૯ સીટો મળી હતી.

ગુજરાતના ઇતિહાસની વાત કરી તો ૨૭ વર્ષથી ભાજપ ગુજરાત પર સત્તામાં આવે છે અને આ વખતેના આંકડા જોઈને પણ લાગી રહ્યું છે કે ભાજપ રેકોર્ડ જીત સાથે સરકાર બનાવશે. ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ૧૨૭ બેઠકો જીતી હતી અને આ વખતે ટ્રેન્‍ડમાં આ આંકડો ૧૫૦ની નજીક પહોંચી ગયો છે. વર્ષ ૨૦૦૨માં નરેન્‍દ્ર મોદીએ બીજી વખત ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા હતા.

(3:35 pm IST)