મુખ્ય સમાચાર
News of Thursday, 8th December 2022

વૈશ્વિક ઘઉંમાં મંદીઃ ભાવ મહિનામાં ૧૫ ટકા તૂટયા

રશિયા-યુક્રેનથી નિકાસ શરૂ થતાં અમેરિકાની નિકાસમાં ઘટાડો થતાં ભાવ ઘટયાઃ ભારતીય ઘઉંમાં જો આયાત પડતર બેસી તો બજાર તૂટશે

નવી દિલ્‍હી, તા.૮: ભારતીય ઘઉંના ભાવ એક તરફ ૩૦૦૦ રૂપિયાની વિક્રમી સાઇકોલૉજિક સપાટી પર પહોંચવાની તૈયારીમાં છે ત્‍યારે વૈશ્વિક મોરચે મંદીનો માહોલ છવાઈ ગયો છે. યુક્રેન-રશિયાથી નિકાસ વધતાં અમેરિકાની ઘઉંની નિકાસમાં મોટો ઘટાડો થયો હોવાથી વિશ્વ બજાર માટે બેન્‍ચમાર્ક એવા શિકાગો ઘઉંના ભાવ ત્રણ મહિનાથી પણ વધુના તળિયે પહોંચી ગયા છે. આગામી દિવસોમાં ભાવ હજી વધુ ઘટે એવી ધારણા છે.

શિકાગો ખાતે બેન્‍ચમાર્ક ઘઉં વાયદો ૭.૧૫ ડૉલર પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્‍યો છે, જેમાં સપ્તાહમાં છ ટકાનો અને મહિનામાં ૧૫ ટકાથી પણ વધુનો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં ટેક્રિકલી જો ઘઉં વાયદો સાત ડૉલરની સપાટી તોડશે તો ભાવ વધુ ઘટે એવી ધારણા છે. યુક્રેનની નિકાસ પર મોટો આધાર છે. ઑસ્‍ટ્રેલિયામાં ઘઉંનો પાક ઓછો છે અને ત્‍યાંથી નિકાસ વધે એવા ચાન્‍સ નથી.

ઍનલિસ્‍ટો કહે છે કે જો વૈશ્વિક ઘઉંના ભાવ ઘટયા તો સ્‍થાનિક બજારમાં પણ મંદી શરૂ થઈ જશે. દેશમાં ઘઉંનું વાવેતર વધવાનો અંદાજ છે અને નિકાસ વેપારો નથી. સરકાર ઘઉંની આયાત ડ્‍યુટી દૂર કરવાની તૈયારીમાં છે. સાઉથની મિલોએ આયાત પર સબસિડી આપવી જોઈએ એવી પણ માગ કરી છે. આવી સ્‍થિતિમાં ભારતીય ઘઉંના ભાવ આગામી દિવસોમાં વધવા મુશ્‍કેલ જણાય છે અથવા તો ૩૦૦૦ની સપાટીએ પહોંચ્‍યા બાદ ઘટવા લાગે એવી ધારણા છે.

(3:33 pm IST)