મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

સીડીએસ બિપીન રાવતને લઇ જતુ હેલીકોપ્ટર ક્રેશ : ૪ અધિકારીઓ શહીદ : કુલ ૧૧ લોકોના મોત

તામીલનાડુના કુન્નુરમાં આજે બપોરે આર્મીનુ હેલીકોપ્ટર ગાઢ જંગલોમાં તૂટી પડયુઃ સીડીએસ બિપીન રાવત સહિત અનેક ગંભીર : બિપીન રાવતના પત્ની સહિત હેલીકોપ્ટરમાં કુલ ૧૪ લોકો હતા : વાયુદળે તપાસના આદેશો આપ્યાઃ જનરલ બિપીન રાવત અને તેમના પત્ની સહિત તમામ રેસ્કયુ કરવામાં આવેલ ઘાયલોને સ્થાનિક વેલીંગ્ટન બેઝ હોસ્પિટલમાં ઇલાજ માટે લઇ જવાયાઃ ડોકટરોની ટીમ ઉપચાર કરી રહી છે

નવી દિલ્હી, તા. ૮ :. આજે બપોરે સેનાનું એક હેલીકોપ્ટર તામિલનાડુના નીલગીરી જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. જાણવા મળે છે કે આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) તેમના પત્નિ સહિત ૧૪ લોકો બેઠા હતા. ૩ લોકોને ઈજા થઈ છે. આ લખાય છેે ત્યારે મળતા અહેવાલો અનુસાર આ અકસ્માતમાં કુલ ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ૪ જેટલા ટોચના અધિકારીઓ શહીદ પણ થયા છે.  વાયુદળે આ દુર્ઘટનાની તપાસના આદેશો આપ્યા છે. છેલ્લે મળતા અહેવાલ અનુસાર અનેક લોકોની હાલત ગંભીર છે. જનરલ બિપીન રાવત સહિત તમામ રેસ્કયુ કરવામાં આવેલ ઇજાગ્રસ્તોને સ્થાનિક વેલીંગ્ટન બેઝ હોસ્પિટલમાં ઇલાજ માટે લઇ જવાયા છે. જ્યાં ડોકટરોની ટીમ તેઓનો ઇલાજ કરી રહેલ છે. ગંભીર ઘાયલો માટે એર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાંજે ૪.૩૦ કલાકે સત્તાવાર નિવેદન જાહેર કરવાના છે.

એવુ જાણવા મળે છે કે ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હતો. આ હેલીકોપ્ટરમાં બીપીન રાવત અને તેમના પત્નિ મધુલિકા રાવત, તેમનો ડીફેન્સ સ્ટાફ કે જેમાં બ્રિગેડીયર એસ.એલ. લીડર, લેફ. જનરલ સામેલ હતા.

સીડીએસ બીપીન રાવત પોતાના પત્નિ સાથે વેલિંગટનમાં એક કાર્યક્રમમાં સામેલ થવાનુ હતુ ત્યાં આર્મ્ડ ફોર્સીસ કોલેજ છે જ્યાં સીડીએસ રાવતનું લેકચર હતુ. તેઓ સુલુરથી કુન્નુર જઈ રહ્યા હતા. ત્યાંથી તેમને દિલ્હી માટે રવાના થવાનું પરંતુ ગાઢ જંગલમા આ અકસ્માત થયો હતો. જ્યાં દુર્ઘટના થઈ ત્યાં ગાઢ જંગલ છે અને આસપાસ ચારેતરફ વૃક્ષો છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે ચારેતરફ આગની જ્વાળાઓ નજરે પડતી હતી. આર્મી અને વાયુદળની ટુકડીઓ પોલીસ સાથે રેસ્કયુ માટે પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે મૃતદેહો મળ્યા છે તે ૮૦ ટકા સળગી ગયેલા છે. એવામાં તેઓની ઓળખ થઈ શકી નથી. અત્યાર સુધીમાં ૩ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને નજીકની હોસ્પીટલે લઈ જવામાં આવ્યા છે. આ હેલીકોપ્ટર એમઆઈ-૧૭ વી-૫ હતુ.

હાલ સીડીએસ બીપીન રાવત અને તેમના પત્નિની સ્થિતિ અંગે કોઈ અપડેટ સેના તરફથી આપવામાં આવી નથી. આ હેલીકોપ્ટરમાં કુલ ૧૪ લોકો હતા. બાકીના ૭ અંગે કોઈ માહિતી મળી નથી. આ અકસ્માત બાદ જે વિડીયો સામે આવ્યો છે તેમા હેલીકોપ્ટર સંપૂર્ણ રીતે સળગીના ખાખ થઈ ગયુ છે. એવામાં આ ભીષણ અકસ્માત તમામ આશંકાઓને જન્મ આપે છે.  સ્થાનિક ટીવી ચેનલો પર દુર્ઘટનાની તસ્વીરોમાં ધૂમાડાના ગોટાઓ સાથે હેલીકોપ્ટરનો કાટમાળ પણ દેખાય રહ્યો છે.

(3:22 pm IST)