મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

સારવારનો ખર્ચ ૨ કરોડ

'પ્રજાના સેવકો'એ પ્રાઇવેટમાં લીધી કોરોનાની મોંઘીદાટ સારવાર

કોરોનાની સહાય મેળવવા પ્રજા ભટકે છે ત્યારે ૪૩ પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોએ ૨ કરોડના કર્યા કલેઇમઃ હર્ષ સંઘવીનું સૌથી વધુ ૧૭.૫૫ લાખનું બિલ તો બીજા ક્રમે નિરંજન પટેલનું સારવારનું બિલ રૂ. ૧૬.૯૮ લાખ

નવી દિલ્હી તા. ૮ : કોરોના દર્દીઓ માટે અપાતી ૫૦,૦૦૦ રૂપિયાની સહાય લેવા માટે સામાન્ય માણસે મેડીકલ ડોકયુમેન્ટસ ભેગા કરવા લાંબી લાંબી લાઇનોમાં હેરાન થવું પડે છે ત્યારે ગુજરાતના વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યોએ રૂપિયા બે કરોડથી વધારે રૂપિયા ખાનગી હોસ્પિટલોની સારવાર માટે છેલ્લા દોઢ વર્ષમાં માંગ્યા છે. સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર મળતી હોવાનો દાવો સરકાર કરે છે ત્યારે ભાજપા અને કોંગ્રેસ બન્નેના ૪૩થી વધારે ધારાસભ્યોએ તેમને મળતા લાભો હેઠળ કોરોનાની સારવાર માટે ઓછામાં ઓછા ૧ લાખ રૂપિયા જૂન ૨૦૨૦થી નવેમ્બર ૨૦૨૧ વચ્ચે કલેઇમ કર્યા છે તેવું એક આરટીઆઇના જવાબમાં કહેવાયું છે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સુરતના મજૂરા ગેટ બેઠકના ધારાસભ્ય અને સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને સૌથી વધારે મેડીકલ પ્રોબ્લેમ હોય તેવું લાગે છે. તેમણે સૌથી વધારે એટલે કે રૂપિયા ૧૭ લાખ રૂપિયાના કલેઇમ કર્યા છે. તેમના ૪ બીલો આ સમયગાળામાં સરકાર દ્વારા મંજુર કરાયા છે.

ચૂંટણીના સોગંદનામામાં કરોડો રૂપિયાની આવક દર્શાવતા ધારાસભ્યોએ છેલ્લા ૧૬ મહિનામાં ખાનગી હોસ્પિટલોમાં કરદાતાઓના લાખો રૂપિયા વાપર્યા છે. પેટલાદના કોંગ્રેસી ધારાસભ્ય નિરંજન પટેલ આ ખર્ચમાં હર્ષ સંઘવીની બહુ નજીક અને બીજા નંબર પર છે. તેમણે મુકેલા ૧૬.૯૮ લાખના બીલ સરકારે મંજૂર કર્યા છે. આરટીઆઇ એકટીવીસ્ટ રાજ સીસોદીયાએ આ માહિતી આરટીઆઇ દ્વારા મેળવી છે.

(10:56 am IST)