મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

૫ થી ૧૪ વર્ષના બાળકોમાં વધી રહ્યુ છે સંક્રમણ

ઓમિક્રોન વેરિએન્ટ વધતા જોખમ વચ્ચે WHO યુરોપે આપી ચેતવણી

નવી દિલ્હી,તા.૮ :  દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ ને લઈને એકબાજુ જયાં દહેશતનો માહોલ છે ત્યાં બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંગઠનએ બાળકોમાં સંક્રમણ અંગે એક મહત્વની જાણકારી શેર કરી છે. WHO ના યુરોપ કાર્યાલયે મંગળવારે જણાવ્યું કે ૫થી ૧૪ વર્ષના બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

WHO  યુરોપના રિજીયોનલ ડાયરેકટર ડો. હેન્સ કલૂઝે કહ્યું કે રસીકરણથી રાહત મળી છે અને ગત પીકની સરખામણીમાં મોતની સંખ્યા પણ ઘટી છે. પરંતુ તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે ૫૩ દેશોમાં છેલ્લા બે મહિનામાં કોરોનાના કેસ અને મોતની સંખ્યા બમણી થઈ છે.

તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે ઓમિક્રોન વેરિએન્ટનના પણ ૨૧ દેશોમાં ૪૩૨ કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે યુરોપ અને મધ્ય એશિયામાં ડેલ્ટા વેરિએન્ટ હજુ પણ ડોમિનેટ છે અને અમે જાણીએ છીએ કે રસી ગંભીર બીમારી અને મોતને રોકવામાં પ્રભાવી છે. નવા વેરિએન્ટ પર તેમણે કહ્યું કે હજુ એ જોવાનું બાકી છે કે ઓમિક્રોન વધુ ગંભીર છે કે ઓછો.

કલૂઝે ચિંતા વ્યકત કરતા કહ્યું કે યુરોપના અનેક દેશોમાં બાળકોમાં સંક્રમણના કેસ બેથી ત્રણ ગણા વધ્યા છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે વૃદ્ઘો, હેલ્થકેર વર્કર્સ અને નબળી ઈમ્યુન સિસ્ટમવાળાની સરખામણીમાં બાળકોએ ઓછા ગંભીર સંક્રમણનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે શાળામાં રજા પડતા જ બાળકો માતા પિતા કે દાદા દાદીના દ્યર પર વધુ રહે છે. જેનાથી બાળકો દ્વારા તેમનામાં સંક્રમણ ફેલાય છે. આ સાથે જ જો તેમને રસી ન મળી હોય તો એવા લોકોને ગંભીર બીમારી કે મોતનું જોખમ ૧૦ ગણુ વધી જાય છે. તેમણે કહ્યું કે બાળકોથી બીમારીઓ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.

સંયુકત રાષ્ટ્રના વીકલી રિપોર્ટ મુજબ હાલ યુરોપ કોરોના મહામારીનું એપિસેન્ટર બનેલું છે. દુનિયાભરમાં થનારી ૬૧ ટકા મોત અને ૭૦ ટકા કેસ અહીંથી જ આવે છે.

વધતા જોખમ વચ્ચે સ્પેનના સ્વાસ્થ્ય મંત્રાલયે ૫થી ૧૧ વર્ષના બાળકોને કોરોના રસી આપવાની મજૂરી આપી દીધી છે. યુરોપના અનેક દેશોમાં પહેલેથી જ બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. સ્પેનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ૧૩ ડિસેમ્બરે ૩૨ લાખ ડોઝ આવશે અને ત્યારબાદ ૧૫ ડિસેમ્બરથી બાળકોનું રસીકરણ શરૂ થઈ જશે.

(9:54 am IST)