મુખ્ય સમાચાર
News of Saturday, 8th December 2018

સર્જિકલ સ્ટ્રાઈકના પ્રચાર -મહિમામંડન કે અતિરેક કરવાની કોઈ જરૂર નથી :રિટાયર્ડ લેફ. જનરલ હૂડા

સેનાને જ્યારે જરૂર લાગે છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

ચંડીગઢ: ભારતીય સેના દ્વારા બે વર્ષ પહેલા પાક હસ્તકના કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને કરાયેલ સર્જિકલ સ્ટ્રાઈકનું મહિમામંડન કરવાની કોઈ જરૂર ન હતી અને આ મુદ્દે પ્રચારમાં સતત વધુ પડતો અતિરેક કરવાની પણ કોઈ જરૂર ન હતી એવું ભારતીય સેનાના સેના નિવૃત્તિ લેફ. જનરલ ડી.એસ. હૂડાએ જણાવ્યું હતું.

  લેફ. જનરલ ડી.એસ. હૂડાએ જણાવ્યું હતું સર્જિકલ સ્ટ્રાઈકની સફળતા પર શરૂઆતમાં ખુશી થાય તે સ્વાભાવિક છે, પરંતુ આ અભિયાનનો સતત પ્રચાર કરવો એ અયોગ્ય છે. ડી.એસ. હૂડા ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ અંકુશ રાખે પાર કરીને કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈક વખતે નોર્ધર્ન આર્મી કમાનના કમાન્ડર હતા. ઉરીમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવ્યા હતા.

  હૂડાએ વેધક પ્રશ્ન કર્યો છે કે આખરે સર્જિકલ સ્ટ્રાઈક પર કેટલી હદે રાજનીતિ કરવામાં આવશે? સેનાના સર્જિકલ સ્ટ્રાઈક યોગ્ય હતા કે કેમ તે પણ શું રાજકીય નેતાઓને પૂછવું જોઈએ ? લેફ. જનરલ ડી.એસ. હૂડાએ જણાવ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઈકનો પ્રચાર વધારીને વધારીને કરવાની કોઈ જરૂર નથી. સેનાને જ્યારે જરૂર લાગે છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઈકની જરૂર હતી તેથી અમે તેને અંજામ આપ્યો હતો.

  લેફ. જનરલ ડી.એસ. હૂડા ચંડીગઢ લેક ક્લબમાં શરૂ થયેલ આર્મી મિલિટરી લિટરેચર ફેસ્ટિવલમાં 'રોલ ઓફ ક્રોસ બોર્ડર ઓપરેશન એન્ડ સર્જિકલ સ્ટ્રાઈક' વિષય પર બોલી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમેરિકન આર્મીએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદી ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતારી દીધો હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે ત્યાર બાદ આતંક અને ત્રાસવાદ ખતમ થઈ ગયા છે.

(1:43 pm IST)