મુખ્ય સમાચાર
News of Monday, 8th August 2022

રાજસ્‍થાનના ખાટુ શ્‍યામજી મંદિરમાં ભાગદોડ મચી : ૩ શ્રધ્‍ધાળુઓના મોત

સવારે ૫ વાગે મંદિરના કપાટ ખુલતા જ ભીડનું દબાણ વધવાના કારણે ભાગદોડ મચી ગઇ

સીકર તા. ૮ : રાજસ્‍થાનના સીકર જિલ્લામાં પ્રસિદ્ધ ખાટુ શ્‍યામજી મંદિરમાં સવાર સવારમાં મંદિરના કપાટ ખુલતા જ ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં ૩ શ્રદ્ધાળુઓના જીવ ગયા જયારે કેટલાક લોકો ઘાયલ થયા. ઘટનાસ્‍થળે હાજર પોલીસકર્મીઓ અને મંદિર કમિટીના ગાર્ડ્‍સે વ્‍યવસ્‍થા સંભાળી અને તમામ ઘાયલોને હોસ્‍પિટલમાં ખસેડ્‍યા. હાલ ખાટુશ્‍યામજી પોલીસ મથક સમગ્ર મામલે તપાસમાં લાગી છે.

એવું કહેવાય છે કે સવારે ૫ વાગે મંદિરના કપાટ ખુલતા જ ભીડનું દબાણ વધવાના કારણે ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન અનેક મહિલા અને પુરુષ શ્રદ્ધાળુઓ પડી ગયા અને તેમને ઉઠવાની તક જ ન મળી. અફડાતફડીમાં ભીડને માંડ કંટ્રોલ કરાઈ અને સુરક્ષા વ્‍યવસ્‍થામાં લાગેલા કર્મચારીઓએ મોરચો સંભાળતા ઘાયલોને હોસ્‍પિટલ ખસેડ્‍યા, જયાં ૩ મહિલાઓએ દમ તોડ્‍યો.

આ બાજુ સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્‍થળે અને  હોસ્‍પિટલ પહોંચી. પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું કે મૃતકોમાં સામેલ એક મહિલાની ઓળખ થઈ ચૂકી છે. હાલ મામલાની આગળના કાર્યવાહી ચાલુ છે. અત્રે જણાવવાનું કે કોરોનાકાળ બાદ ખાટુશ્‍યામમાં દર મહિને લાગતા માસિક મેળામાં પણ શ્રદ્ધાળુઓની સંખ્‍યા લાખોમાં રહે છે. પરંતુ મંદિરનું ક્ષેત્રફળ ઓછું હોવાના કારણે અને સારી રીતે દર્શનની સુવિધા ન હોવાથી અહીં આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહે છે.

(11:27 am IST)