મુખ્ય સમાચાર
News of Wednesday, 8th August 2018

કાલે રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી : NDA - UPA વચ્ચે ટક્કર : હરિવંશ V/S હરિપ્રસાદ

કોંગ્રેસે છેલ્લી ઘડીએ બી.કે.હરિપ્રસાદને મેદાનમાં ઉતાર્યા : NDAના ઉમેદવાર છે હરિવંશસિંહ :૨૪૫ સભ્યોની રાજ્યસભામાં હાલ ૨૪૪ સભ્યો છે : ૧ બેઠક ખાલી છે : જીતવા માટે ૧૨૩ મતોની જરૂર : NDAનું પલ્લુ ભારે : બીજેડીનો મળ્યો ટેકો

નવી દિલ્હી તા. ૮ : રાજયસભાના ઉપસભાપતિ માટે ૯મી ઓગસ્ટના રોજ થનાર ચૂંટણીમાં મુકાબલો સીધો એનડીએ વર્સીસ કોંગ્રેસનો થઇ ગયો છે. કોંગ્રેસે બુધવારના રોજ હરિપ્રસાદને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યાં એનડીએની તરફથી જેડીયુ નેતા હરિવંશ ઉપસભાપતિના ઉમેદવાર છે. આંકડાની રમતમાં હાલ ભાજપના નેતૃત્વમાં એનડીએને વૃદ્ઘિ મળતી દેખાય રહી છે. પહેલાં અંદાજ લગાવામાં આવી રહ્યો હતો કે યુપીએ એનસીપીની વંદના ચૌહાણને ઉમેદવાર બનાવી શકે છે. પરંતુ છેલ્લી ક્ષણોમાં હરિપ્રસાદને ઉમેદવાર તરીકે જાહેર કરાયા.વરિષ્ઠ કોંગ્રેસ નેતા આનંદ શર્માએ બી.કે.હરિપ્રસાદને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. પોતાની ઉમેદવારીની જાહેરાત બાદ હરિપ્રસાદે કહ્યું કે પાર્ટીએ કંઇક સમજી-વિચારીને જ તેમનું નામ આ પદ માટે આગળ વધાર્યું છે. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો સાથે વાત કરીશું અને આગળની રણનીતિ પર ચર્ચા કરીશું.

 

બીજીબાજુ એનડીએ ઉમેદવાર હરિવંશે રાજયસભા ઉપસભાપતિ પદ માટે બુધવારના રોજ નોમિનેશન દાખલ કર્યું છે. તેમણે નોમિનેશન ફોર્મ ભરતા સમયે આખા એનડીએને એકતા દેખાડી. શિવસેનાના નેતા પણ હરિવંશ નોમિનેશન ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે હાજર રહ્યાં હતા.જો રાજયસભામાં નંબરની વાત કરીએ તો આ કેસમાં એનડીએને સંખ્યાબળ મળતું દેખાઇ રહ્યું છે. રાજયસભામાં ભાજપનો સ્કોર ૧૧૬ સુધી પહોંચ્યો છે. બીજેડીના સાંસદોના સમર્થન બાદ આ આંકડો ૧૨૩ થશે. ભાજપના મેનેજરોનો પ્રયાસ ૧૨૫-૧૨૮ મત પ્રાપ્ત કરવાનું કહ્યું છે. બીજેડીના સમર્થન વગર ભાજપ યુપીએ કરતાં પાછળ જ રહેશે. બીજુ જનતા દળ આ નિર્ણયમાં અગત્યનું ફેકટર હશે. કહેવાઇ રહ્યું છે કે બીજેડી પ્રમુખ અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અનૌપચારિક વાતચીતમાં એનસીપી નેતા શરદ પવારને કહ્યું છે કે યુપીએ સમર્થનને લઇ તેની પાર્ટીથી કોઇ વાત કહી નથી, આથી તેમણે નીતીશ કુમારના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જો એઆઇએડીએમકે (૧૩), બીજેડી (નવ), ટીઆરએસ (૬), અને વાઇએસઆર કોંગ્રેસ (૨)નું સમર્થન એનડીએને મળી જાય છે તો તેની પાસે ૧૨૬ મત થઇ જશે. ગૃહમાં ભાજપના ૭૩ અને કોંગ્રેસના ૫૦ સભ્ય છે. ભાજપના સહયોગી જેડીયુ, શિવસેના અને અકાલી દળના ક્રમશઃ છ અને ત્રણ-ત્રણ સભ્ય છે.આપને જણાવી દઇએ કે યુપીએની પાસે ૧૧૮ વોટ છે. તમામ પાર્ટીઓએ કોંગ્રેસને એનડીએ ઉમેદવારની વિરોધમાં પોતાનો ઉમેદવાર ઉભો કરવાનું કહ્યું હતું, કારણ કે કોઇપણ ક્ષેત્રીય પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા કરવા માંગતી નથી.(૨૧.૧૯)

(4:00 pm IST)