મુખ્ય સમાચાર
News of Monday, 8th July 2019

નવી શિક્ષણ નીતિ હેઠળ

પ્રાથમિક શિક્ષણ ત્રણ વર્ષનું કરાશે

પ્રાથમિક શિક્ષણમાં માત્ર ત્રીજા, ચોથા અને પાંચમા ધોરણને રખાશેઃ માધ્યમિક શિક્ષણમાં ધો. ૬, ૭ અને ૮ હશેઃ સેકન્ડરી શિક્ષણ ૯,૧૦,૧૧ અને ૧ર ધોરણ એમ ૪ વર્ષનું થશેઃ પ્રથમ-બીજુ ધોરણ પ્રી-પ્રાઇમરીમાં ગણાશે

નવી દિલ્હી તા. ૮ :.. દેશમાં શાળાકિય શિક્ષણ માળખામાં મોટા ફેરફારો થવાની તૈયારીઓ થઇ રહી છે. આ વખતના કેન્દ્રિય બજેટમાં સરકારે તે અંગેનો પોતાનો ઇરાદો જણાવી દીધો છે. કેન્દ્ર દ્વારા પ્રસ્તાવિત નવી શિક્ષણનીતિ લાગુ થવાથી દેશમાં શાળાકીય શિક્ષણનું પ૦ વર્ષ જુનું માળખું સંપૂર્ણ પણે બદલાઇ જશે. બજેટ પછી આ બાબતે હિલચાલ વધી ગઇ છે.

નવી નીતિ લાગુ થવાથી જે ફેરફારો જોવા મળશે, તેમાં શાળાકીય શિક્ષણમાં ફાઉન્ડેશન સ્તરના એક નવા પાઠયક્રમની શરૂઆત સામેલ છે. તેમાં પ્રી પ્રાઇમરીથી બીજા ધોરણ સુધીનું ભણતર સામેલ થશે. પ્રાથમિક શિક્ષણમાં ફકત ધોરણ ત્રણ, ચાર અને પાંચને જ રખાશે. શાળાકિય શિક્ષણનું અત્યારનું માળખુ ૧૯૬૮ માં તૈયાર થયું હતું.

નવી શિક્ષણ નીતિના પ્રસ્તાવીત મુસદામાં શાળાકીય શિક્ષણ માળખામાં ફેરફારના આ લક્ષ્યને ર૦રર સુધીમાં મેળવવાની વાત કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે તેનાથી શાળાકીય શિક્ષણમાં ગોખણ પટ્ટીનું ચલણ સમાપ્ત થશે અને બાળકોમાં જરૂરી જ્ઞાન, મૂલ્ય, હુન્નર, કૌશલ્ય જેવા તાર્કિક ચિંતન, બહુભાષી ક્ષમતા અને ડીજીટલ સાક્ષરતા જેવા વિષયોના વિકાસમાં મદદ મળશે. નવી શિક્ષણ નીતિમાં જે ભલામણો કરવામાં આવી છે. તેમાં શાળાકિય શિક્ષણમાં ત્રીજું સ્તર માધ્યમિકનું રહેશે જેમાં ત્રણ વર્ષ એટલે કે ધોરણ છ, સાથ અને આઠને સામેલ કરાશે. ચોથું સ્તર ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું રહેશે જેમાં ધોરણ નવ, દસ, અગિયાર અને બારનું ભણતર રહેશે.

નવી નીતિ પ્રમાણે બુનિયાદી (ફાઉન્ડેશન) શિક્ષણ પાંચ વર્ષનું રહેશે. જેમાં ત્રણ વર્ષ પ્રી પ્રાઇમરી અને બે વર્ષ પ્રાઇમરીના રહેશે. નીતિ અનુસાર, ફેરફાર ની આ ભલામણો હાલની પરિસ્થિતિમાં બાળકોની ઉમર અને તેમની જરૂરીયાતો ના હિસાબે તૈયાર કરવામાં આવી છે.

આ હશે શિક્ષણનું માળખું

* પાંચ વર્ષનું બુનિયાદી શિક્ષણ જેમાં ત્રણ પ્રી-પ્રાઇમરી અને પહેલુ તથા બીજું ધોરણ હશે.

* ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષણ જેમાં ધોરણ ત્રણ, ચાર અને પાંચ રહેશે.

* ત્રણ વર્ષ માધ્યમિક શિક્ષણમાં ધોરણ છ, સાત અને આઠ રહેશે.

* ચાર વર્ષ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ જેમાં ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧ર રહેશે.

બીજા દેશોની શિક્ષણ પધ્ધતિ

ચીન

ચીનમાં બાળકોની શિક્ષણની શરૂઆત  ૬ વર્ષે થાય છે. બાળકો ૧ર વર્ષે પ્રાથમિક શિક્ષણ પુરૂ કરે છે અને ત્યાર પછી ત્રણ વર્ષનું શિક્ષણ  જુનીયર સેકન્ડરી કહેવાય છે.

અમેરિકા

અમેરિકામાં અલગ અલગ પ્લાનના આધારે ભણતર થાય છે. તેમાં ૬-૩-૩ પ્લાન, ૮-૪ પ્લાન, ૬-૬ પ્લાન સામેલ છે. ૬-૩-૩ માં પહેલા ૬ વર્ષ પ્રાઇમરી, ૭ થી ૯ જૂનીયર હાઇસ્કુલ અને ૧૦ થી ૧ર સીનીયર હાઇસ્કુલ હોય છે. અભ્યાસ શરૂ કરવાની ઉમર ૬ વર્ષ છે.

જાપાન

અહીંની શિક્ષણ પધ્ધતિ લગભગ ચીન જેવી જ છે. ૬ વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કરીને બાર વર્ષની ઉમર સુધી પ્રાથમિક શિક્ષણ, પછી ત્રણ ત્રણ વર્ષ જૂનીયર સેકન્ડરી અને હાઇ સેકન્ડરી અભ્યાસ હોય છે.

(11:38 am IST)