મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

આતંકવાદી પાસે નાણા, શસ્ત્ર ક્યાંથી આવે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

માલદિવની સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ઐતિહાસિક સંબોધન : આતંકવાદીઓના કોઇ બેંક ખાતા અને હથિયારોની ફેક્ટરી નથી છતાં કોઈ કમી નથી જેના પર વિચારવાનો સમય છે

નવી દિલ્હી, તા. ૮ :લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વિદેશ યાત્રાએ માલદિવ પહોંચ્યા હતા. મોદીની આ યાત્રાને ભારતના પડોશી દેશોના મહત્વ અને પડોશી પહેલાની નીતિ સાથે જોડીને જોવામાં આવે છે. મોદીએ માલદિવ પહોંચ્યા બાદ પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલી સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ મોદીને માલદિવનું સર્વોચ્ચ સન્માન ઇજ્જુદ્દીન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મોદીએ માલદિવની સંસદને સંબોધન કર્યું હતું જેમાં મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદ અને કટ્ટરતાનો સામનો કરવા આજે વિશ્વની સામે સૌથી મોટો પડકાર છે.

આતંકવાદીઓ અને આતંકવાદ આજે સૌથી મોટો ખતરો છે. આતંકવાદીઓના કોઇ બેંક ખાતા હોતા નથી. હથિયારોની કોઇ ફેક્ટ્રી પણ હોતી નથી છતાં પણ નાણા અને હથિયારની કોઇ કમી રહેતી નથી. ક્યાથી આ લોકો નાણા અને હથિયાર મેળવે છે, કોણ તેમને આ સુવિધા આપે છે તે મોટો પ્રશ્ન છે. આતંકવાદની સ્ટેટ સ્પોન્સરશીપ સૌથી મોટો ખતરો છે. તમામ દેશોને સાથે મળીને એક સાથે લડવાનો સમય છે. ભારતમાં તેઓએ સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે નીતિને આગળ વધારી છે. પીપલ્સ મજલિસમાં ઉપસ્થિત થઇને ગર્વની લાગણી અનુભવ કરી રહ્યા હોવાની વાત પણ મોદીે કરી હતી. હજારો વર્ષથી ભારત અને માલદિવ વચ્ચેના સંબંધો રહેલા છે. આ પગલાથી સ્પષ્ટ છે કે, ભારત અને માલદિવ એકબીજા સાથે ખુબ નજીકથી જોડાયેલા છે. પડોશી દેશોને અમે હંમેશા પ્રાથમિકતા આપી રહ્યા છે. માલદિવની સાથે દરેક સંબંધોમાં અમે ઉભા રહ્યા છીએ. કટોકટીમાં પણ તેમની સાથે રહ્યા છે. ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટના અંતરની ભુલ આજે પણ વિશ્વના દેશો કરી રહ્યા છે જેનાથી હજુ પણ નુકસાન થવાનો ખતરો રહેલો છે.

(9:14 pm IST)