મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

નરેન્દ્રભાઈનો પહેલો વિદેશ પ્રવાસ માલદીવ જ કેમ ?: કૂટનીતી અને વિદેશનીતિનો સંગમ

વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં બિમસ્ટેક રાષ્ટ્રનેતાઓ હાજર રહેલઃ બિમસ્ટેકમાં માલદીવનો સમાવેશ નથી થતોઃ ચીનની હિંદ મહાસાગરમાં પ્રભાવ વધારવાની દાનત પણ મોદીનું માલદીવ જવાનું કારણ

નવીદિલ્હીઃ સતત બીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રથમ અધિકૃત વિદેશપ્રવાસ માટે માલદીવને પસંદ કર્યું છે.

નરેન્દ્રભાઈ મોદીએ પોતાના બીજા શપથગ્રહણ સમારોહ માટે ગત વખતની જેમ દક્ષિણ એશિયન પ્રાદેશિક સહયોગ સંગઠન (સાર્ક)ને બદલે બિમસ્ટેક રાષ્ટ્રના નેતાઓને આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં થાઇલેન્ડ અને મ્યાંમાર જેવા દેશો પણ સામેલ છે.  જોકે, માલદીવનો આમાં સમાવેશ થતો નથી.

સ્પષ્ટ છે કે ભારતીય વિદેશનીતિને ઘડનારા લોકોનાં મનમાં એ વાત આવી જ હશે કે આ પગલું કયાંક માલદીવને ખટકે નહીં.

માલદીવ દક્ષિણ એશિયા અને અરબી સમુદ્રમાં સ્ટ્રેટેજિક લોકેશન પર છે, જે ભારત માટે હવે પહેલાંથી કયાંય વધુ મહત્ત્વ ધરાવે છે.

માલદીવમાં ભારતીય રાજદૂત સંજય સુધીર પણ આ વાત સાથે સહતમ થાય છે.ખાસ વાતચીતમાં તેમણે કહ્યું,'માલદીવ આપણી 'નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો બહુ મોટો ભાગ છે. મધ્ય-પૂર્વમાંથી તેલ અને ગેસની આપણે જેટલી આયાત કરીએ છીએ, એમાંથી બહુ મોટો ભાગ 'એ ડિગ્રી' એટલે કે માલદીવની નજીકમાંથી પસાર થાય છે.'' ''આ ઉપરાંત હિંદ મહાસાગરના આ વિસ્તારમાં શાંતિ-સ્થિરતા રહે એ પણ જરૂરી છે. વળી, ભારત માલદીવમાં એક વિશ્વસનીય ડેવલપમેન્ટ પાર્ટનરની ભૂમિકા પણ ભજવે છે.''

ભારતીય વિદેશસચિવ વિજય ગોખલેએ પણ એ વાત પર ભાર આપ્યો હતો કે 'વડા પ્રધાનના પ્રવાસ દરમિયાન વિકાસ અને સુરક્ષા સંબંધી કેટલીય મહત્ત્વની સમજૂતી થશે.'

વડાપ્રધાન માલદીવને પ્રથમ વિદેશ પ્રવાસ માટે પસંદ કર્યું એ પાછળ ચીન પણ એક મોટું કારણ હોવાનું જણાવાઈ રહ્યું છે.

ચીને છેલ્લા એક દાયકાથી હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવા માટેનું અભિયાન વેગવંતું બનાવ્યું છે.  આ કડીનો પ્રથમ ભાગ શ્રીલંકાને ગણાવાઈ રહ્યો છે અને બાદમાં માલદીવ પર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે.  વેપાર, આર્થિક મદદ અને માળખાકીય સુવિધાઓ ચીન આ દેશોમાં ઝડપથી પગ ઘાલવામાં અમુક હદ સુધી સફળ પણ રહ્યું છે.

જોકે, આ બન્ને રાષ્ટ્રો ચીનની સરખામણીએ ભારત સાથે ભૌગોલિક અને સાંસ્કૃતિક તેમજ નાનામોટા વેપાર થકી વધું જોડાયેલાં છે.

તેમ છતાં માલદીવ પર ભારતનો પ્રભાવ છેલ્લાં કેટલાંક વર્ષોથી થોડો ઘટ્યો હતો.  વર્ષ ૨૦૧૩થી ૨૦૧૮ સુધી અહીં અબ્દુલ્લા યામીનની સરકાર હતી. તેણે લીધેલાં કેટલાંક પગલાં ભારતને માફક નહોતાં આવ્યાં. તેઓ ચીનની નજીક હતા.

માલદીવમાં ભારતના પૂર્વ રાજદૂત ગુરજીતસિંહ પણ આ વાતને સમર્થન આપતા જણાવે છે કે ''જો તમામ સાર્ક રાષ્ટ્રોની વાત કરમાં આવે તો છેલ્લાં ગત વર્ષોમાં પાકિસ્તાન બાદ માલદીવ સાથે ભારતના સંબંધો ઘણા ખરાબ થઈ ગયા હતા. એટલે આ પ્રવાસ એકમદ યોગ્ય સમયે થઈ રહ્યો છે.''

માલદીવમાં થયેલ સત્તા પરિવર્તનની અસર

માલદીવમાં વર્ષ ૨૦૧૮માંચૂંટણી બાદ સત્ત્।ાપરિવર્તન થયું. રાષ્ટ્રપતિ સોલિહે ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લીધી, જેમાં કેટલાય મહત્ત્વના વેપારી કરારો હાથ ધરાયા. એ મુલાકાતના સમાપન પહેલાં ભારતને થયેલી રાહત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કંઈક આવી રીતે સમજી શકાય, ''આપની આ યાત્રામાં આંતરિક વિશ્વાસ અને મિત્રતાની ઝલક જોવા મળે છે, જેના પર ભારત-માલદીવના સંબંધો આધાર રાખે છે.''

આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી માલદીવની રાજધાની માલેને શણગારવામાં આવી રહી છે. રસ્તાઓની સફાઈ અને ઇમારતોને ચમકાવવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે. ગત આઠ વર્ષોમાં કોઈ ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ અધિકૃત મુલાકાત છે. બન્ને દેશોના ઝંડા રસ્તા પર લગાવી દેવાયા છે અને માર્ગ પર સુરક્ષા પણ વધારી દેવાઈ છે.

માલેની એક પ્રખ્યાત હોટેલમાં  બંગાળથી નોકરી કરવા આવેલા અમિતકુમાર મંડલ સાથે થઈ, જે વડા પ્રધાન મોદીની મુલાકાતને લઈને ભારે ઉત્સાહિત જોવા મળે છે.

તેમણે કહ્યું, ''બીજી સરકાર આવી એ બાદ સ્થિતિ બહુ સારી છે. કાલે અહીં નરેન્દ્રભાઈ મોદી પણ આવી રહ્યા છે. આપણા માટે આ સારૃં જ છે. પહેલાં આપણા લોકો માટે ખાસ તકો નહોતી અહીં, એ હિસાબે આ સાંરૂ જ છે. પહેલાંથી બહુ સારૃં છે.''

માલદીવ ભારતનો મહત્વનો રણનૈતિક ભાગીદાર છે. પીએમ રાજધાની માલેમાં માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ અને બીજા ઉચ્ચ નેતાઓને મળશે.

પીએમ મોદી આજે માલદીવની સંસદને પણ સંબોધશે. આ સિવાય પીએમ મોદી માલદીવમાં કોસ્ટ સર્વીલીયન્સ રડારસીસ્ટમનું ઉદ્ઘાટન કરશે. તેનાથી હિંદ મહાસાગરમાં ઈંડિયન નેવીની તાકાતમાં વધારો થશે.

ઉપરાંત પી.એમ. મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલીહ માલદીવની સેનાની તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. પી.એમ.ની આ મુલાકાત ભારતના 'પડોશી પ્રથમ' (Neighbour first) ની નીતિના સમર્થક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે માલદીવ અને શ્રીલંકાના તેમના પ્રવાસથી બંને દેશો સાથે ભારતના સંબંધો અને મજબૂત બનશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું, 'મને વિશ્વાસ છે કે માલદીવ અને શ્રીલંકાના મારા પ્રવાસથી દરિયાઈ વિસ્તારમાં સ્થિત આપણા પડોશીઓ સાથે આપણી નજીકતા અને સંબંધોમાં વધુ પ્રગતિ આવશે તે આપણી 'પડોશી પ્રથમ નીતિ' અને ક્ષેત્રમાં દરેકની સુરક્ષા અને વિકાસ આપણા દ્રષ્ટિકોણના અનુરૂપ હશે.'

વડાપ્રધાન દ્વારા માલદીવને ભારતના મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જણાવતા કહ્યું હતું કે, 'માલદીવની  મારી મુલાકાત બંને દેશોના મહત્વને બતાવે છે, અમે દરિયાઇ વિસ્તારોના પાડોશીઓ તરીકે આપણા સંબંધો સાથે જોડાયેલા છીએ અને લાંબા સમયથી આપણી મિત્રતા ધરાવીએ છીએ.' ભારતનો માલદીવ સાથે ઉંડો ઇતિહાસ અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. જણાવી દઈએ કે જયારે ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલીહ પોતાના વડાપ્રધાન પદના શપથ લેતા હતા ત્યારે પી.એમ. મોદી ત્યાં પહોંચ્યા હતા. પી.એમ.એ જણાવ્યું હતું કે 'માલદીવ સાથે અમારો બાયલક્ષી સંબંધો છેલ્લા દિવસોથી ખૂબ મજબૂત થઈ ગયા છે, મને વિશ્વાસ છે કે મારા પ્રવાસથી અમારી બહુમતી ભાગીદારીને વધુ મજબૂતતા મળશે.'

માલદીવ પ્રવાસ પછી પીએમ શ્રીલંકાના પ્રવાસ પર જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના શ્રીલંકાના પ્રવાસમાં ત્યાં ઇસ્ટરન દરમિયાન આતંકવાદી હુમલા થયા જેમાં શ્રીલંકાની સરકાર અને જનતાની એકજુથતા જાહેર થાય છે.

જે રીતે ચાઇનાએ શ્રીલંકાને પોતાની સ્ટ્રેટેજીક સ્થળ બનાવવાનું શરૂ કર્યું છે જેથી ભારત માટે તેનો રણનીતિક કટ શોધી કાઢવો જરૂરી છે. એટલા માટે જ જેવા શ્રીલંકાના રાષ્ટ્રપતિ મિત્રપલા સિરિસેનાએ વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યુ કે તે તરત જ કોલંબો જવા માટે રાજી થઈ ગયા.

પી.એમ. મોદીએ કહ્યું, 'આતંકાવાદ સામેની લડાઇમાં ભારત શ્રીલંકા સાથે ઊભો છે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન આપણા બાય-સંબંધો સંબંધો ખૂબ મજબૂત છે, હું શ્રીલંકાના નેતાને મળવા રાહ જોઉં છું' ૨૧ એપ્રિલે શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકાઓ પછી આ કોઈ વિદેશી સરકારની પ્રથમ મુલાકાત છે.

આમ ભારતની નવી સરકારના ગઠનબાદ બાદ દેશની સુરક્ષા, સીમા, વેપાર, ઉદ્યોગ અને પાડોશી દેશો સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધો વધારી એશીયામાં પોતાનું પ્રભુત્વ વધારવા મોદી સરકાર તુરંત એકશનમાં આવી છે.

(4:00 pm IST)