મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

મોદી સરકારના કામકાજ ઉપર સંઘ પરોક્ષ નજર રાખશેઃ સમીક્ષા પણ કરશેઃ સૂચન પણ કરશે

સામાજીક એજન્ડા ઉપર સંઘ ભાર મૂકશે

નવી દિલ્હી તા. ૮ :.. લોકસભામાં વડાપ્રધાન મોદી પાસે ભારે ભરખમ બહુમતી હોવા છતાં તેમના કામકાજ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પરોક્ષ નજર રહેશે.

સંઘના એજંડામાં રહેલા ખાસ મુદાઓ બાબતે તે સરકારની કામગીરીની પોતાના સ્તરે સમીક્ષા કરશે અને પક્ષના સ્તરે જરૂરી સુચનો પણ આપશે. ભાજપા અને સંઘના સમન્વયને વધુ મજબૂત બનાવવામાં આવશે. મોદી સરકાર-ર એ સત્તા સંભાળતા જ ઝડપથી કામકાજ શરૂ કર્યુ છે. ગઇ સરકારના કામોને આગળ વધારવાની સાથે તેમની સામે નવા એજન્ડા પણ છે. આ દરમ્યાન સરકારના ઉચ્ચ સ્તર પર કેટલાક નિર્ણયો બાબતે ચણભણાટ થયો તો સંઘે તેને શાંત પણ પડાવ્યો. સુત્રો અનુસાર સંઘ નથી ઇચ્છતો કે ઉચ્ચ સ્તરે કોઇ મતભેદ બહાર આવે.

આમ તો સંઘે તેના સંકેત પહેલા જ આપી દીધા હતાં. સંઘ પ્રમુખ મોહન ભાગવતે હાલમાં જ એક કાર્યક્રમમાં સ્પષ્ટતા કરી હતી કે જે લોકો લોકશાહીમાં ચૂંટાઇ ને આવે છે તેમની પાસે ઘણાં અધિકારો હોય છે પણ તેનો મતલબ એ નથી કે તે અધિકારોનો દુરૂપયોગ કરવામાં આવે.

સંઘે શૈક્ષણીક, સાંસ્કૃતિક, સામાજીક અને આર્થિક મુદાઓ પર પોતાના એજંડા પાછલી સરકારને પણ જણાવ્યા હતાં. સાથે જ કહયું હતું કે દેશના વ્યાપક હિતમાં આ દિશામાં સરકારે કામ કરવું જોઇએ. ટૂંક સમયમાં ભાજપામાં સંગઠનની ચૂંટણીઓ પણ થવાની ત્યારે સંઘની કોશિષ રહેશે કે મોટા નેતાઓ સરકારમાં જવાથી સંગઠન નબળુ ન પડે. એટલે પ્રદેશ અધ્યક્ષો બાબતે સંઘની રાય મહત્વપૂર્ણ બનશે.

(3:58 pm IST)